પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગાંધીજીની 150 જન્મ જયંતિ નિમિત્તે ગાંધીજી સ્થાપિત નવજીવન ટ્રસ્ટ દ્વારા નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શરૂ કરવામાં આવી છે. આ વિચાર મુળત્વ નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈનો હતો, પણ પત્રકારત્વની સ્કૂલ  કેવી હોય તેની લાંબી મથામણનો હિસ્સો ઉર્વીશ કોઠારી, અશ્વીન ચૌહાણ અને કિરણ કાપુરે સહિતના અનેક મિત્રો બન્યા હતા. આપણે ત્યાં પત્રકારો અને પત્રકારત્વનો અભ્યાસ કરાવતી કોલેજીસની કોઈ કમી નથી પણ આપણે ત્યાં સવાલ પુછતાં પત્રકારોની અછત થવા લાગી છે, ત્રણ દાયકા પહેલા મેં પત્રકારત્વ શરૂ કર્યું ત્યારે મારી નજર મારા સિનિયર ચારૂદત્ત વ્યાસ, નરેન્દ્ર શર્મા, પદ્મકાંત ત્રિવેદ્દી, દિલીપ પટેલ, કાંતી પટેલ અને મુકુંદ પંડયા જેવા મારા વડિલ મિત્રો તરફ રહેતી હતી, હું તેમને ધ્યાનથી જોતો તેઓ કઈ રીતે સરકારી અમલદારને સવાલ પુછે છે, તેઓ કઈ રીતે પોતાના સવાલો દ્વારા મંત્રીઓને ઘેરો ઘાલે છે.

મને ક્રમશઃ સમજાયું કે આપણે બીજાને સવાલ પુછીએ તે પહેલા આપણી અંદર આવુ કેમ અને આવુ કેમ નહીં, તેવો સવાલ થવો જોઈએ આપણા મનમાં ઉઠેલો સવાલ આપણને જવાબ તરફ લઈ જાય છે. એટલે અમે નવજીવનની પત્રકારત્વની શાળા કેવી હોવી જોઈએ તેની રૂપ રેખા તૈયાર કરી તેમાં ઘણી બધી બાબતોનો ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો જેમાં સૌથી પહેલી બાબત હતી કે આપણે ત્યાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીને આપણે સવાલ પુછતો કરવો, પછી તે આપણને પણ સવાલ પુછતો થાય તેવી સ્થિતિ નિર્માણ કરવી, અમને સમજાયું કે આપણી મોટા ભાગની સમસ્યા આપણે સવાલો પુછવાનું છોડી દીધુ તેના કારણે નિર્માણ થઈ છે, અહિયા સવાલ પુછવાનો અર્થ માત્ર સરકારના સંદર્ભમાં નથી પણ પોતાની જાતને પણ આપણે આપણી જાતના કરેકશન માટે સવાલ પુછવા પડશે.

મારી દીકરી પ્રાર્થના જે કોલેજમાં અભ્યાસ કરે છે અને હવે તે મારી પત્રકારત્વની વિદ્યાર્થિની પણ છે. તેના મનમાં સ્પષ્ટતા છે કે તેને પત્રકાર થવું જ નથી છતાં પત્રકારત્વ કેવી રીતે થવાય છે તે જાણવા અને સમજવા તેણે પણ નવજીવનની પત્રકારત્વની સ્કૂલમાં પ્રવેશ લીધો છે અને તે અભ્યાસ કરવા આવે છે. સામાન્ય રીતે માતા-પિતા પોતાનું સંતાન કઈ પુછે ત્યારે આપણે તેને આવું કર અથવા આવું કરીશ નહીં તેવું આદેશાત્મક ભાષામાં કહી દે છે, સામાન્ય રીતે સંતાનો પણ માતા-પિતાનો આદેશ સાચો જ હશે તેવુ માની તે વાત કમને સ્વીકારી લેતા હોય છે મારા મોટા દિકરા આકાશે મારા અનેક આદેશો અંગે કોઈ પણ સવાલ પુછયા વગર તે સ્વીકારી લીધા, પણ પ્રાર્થના તેવું કરતી નથી. તે જ્યારે કોઈ વાતની મંજુરી માંગે અને હું તેને ના પાડું ત્યારે તે મને તરત સવાલ પુછે છે કે તમે ના પાડશો તો નહીં કરૂ પણ તમે મને ના કેમ પાડો છો તેનું કારણ તો આપો.

આ બહુ સામાન્ય લાગતો પ્રશ્ન આપણી જીંદગીની અને આપણા આસપાસની અનેક જીંદગીઓને બદલી શકે છે. જો આપણે સવાલ પુછતા થઈએ તો અથવા સવાલ આપણી સમજ બદલવામાં પણ મદદરૂપ થઈ શકે છે. પ્રાર્થનાએ મને પુછયુ કે, હું નવરાત્રીમાં મોડી આવીશ તો ચાલશે, મેં કહ્યુ ના બેટા તારે વહેલા ઘરે આવી જવાનું, તેણે મારી સામે જોયું અને મને પુછ્યું કે ભાઈ નવરાત્રીમાં મોડો આવે તો ચાલે હું કેમ નહીં... હું વાત પુરી કરવા તેને કહી શકતો હતો કે ભાઈ છોકરો છે અને તું છોકરી છે, પણ મને ખબર હતી કે તેના પ્રશ્નનો આ સાચો ઉત્તર નથી, પણ સારી બાબત એવી હતી કે તેણે મને સવાલ પુછ્યો કે મારા અને ભાઈ માટેના ધોરણો અલગ કેમ છે. મેં જોયુ છે કે માતા-પિતા બાળકોને આ પ્રકારના સવાલનો જવાબ આપવાને બદલે સામા સવાલ પુછીશ નહીં તેમ કહી તેમને મોંઢુ બંધ રાખવાનો આદેશ આપે છે, મારે મારી દિકરીના સવાલનો જવાબ આપવાનો હતો.

મેં કહ્યું તું પણ મોડી આવી શકે છે, પણ તું મોડી રાતે પાછી ફરતી હોય અને રસ્તામાં તને કોઈ પરેશાન કરે અથવા કોઈ તારી છેડતી કરે તેવી સ્થિતિમાં જો તું પેલી વ્યકિતનું માથું તોડી શકીશ તેવું લાગે તો તું પણ મોડી આવી શકે છે. તે મારી સાથે સંમત્ત થઈ કારણ તેના આવુ કેમ સવાલનો મેં તાર્કિક જવાબ આપ્યો હતો, આપણે આપણી આસપાસ થતી ઘટનાઓની પીડા સહન કરીએ છીએ પણ તે અંગે સંબંધીતોને આવું કેમ તેવો સવાલ પુછતાં નથી. કારણ આપણે સવાલ પુછવાનું ભુલી ગયા છીએ અને જે થઈ રહ્યું છે તે આપણુ નસીબ છે તેવું માની લીધું છે. અમે નવજીવનના પત્રકારત્વના વિદ્યાર્થીઓને કહ્યું કે સવાલ પુછતાં થાવ અમને અને પોતાની જાતને સવાલ પુછો, તમે પુછેલા સવાલનો જવાબ અમને ખબર નહીં હોય તો તમને કહીશ કે અમને ખબર નથી પણ બીજા દિવસે તમારા સવાલના ઉત્તર સાથે પાછા આવીશું.


જે પોલીસ આપણી રક્ષા માટે છે તે આપણને પરેશાન કરે, જે સરકારી અમલદાર આપણી ચિંતા કરવા માટે છે. તે બે ફિકરો થઈ જાય, કોઈ કોર્પોરેટર અથવા ધારાસભ્ય આપણા પ્રશ્નો સાંભળે નહીં અને આવી સ્થિતિમાં આપણે શું કરી શકીએ તેવી માનસીકતા સાથે સવાલ પુછવાનું છોડી દઈએ તે વાજબી નથી.એક નાગરિક તરીકે પણ નહીં અને ખાસ કરી જયારે તમે પત્રકાર છો ત્યારે સવાલ નહીં પુછવાની કાયરતાને હરગીજ ચલાવી શકાય તેમ નથી આપણો સવાલ કોઈને રાજી કરવા અથવા દુઃખી કરવા માટે નથી. કોઈ રાજી થાય અને કોઈ દુઃખી થાય એ તો આપણા સવાલની બાય પ્રોડકટ છે, સવાલ માત્ર તંત્રને જ નહીં પોતાની જાતને પણ પુછવો પડશે કે, મેં જે કર્યું તે બરાબર છે, કારણ જાતને પુછવામાં આવેલો સવાલ આપણને પોતાને બદલવામાં પણ મદદ કરશે. આફિક્રા ગયેલા મહાત્મા ગાંધીને જ્યારે ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યા તે કઈ પહેલી ઘટના ન્હોતી ગાંધી પહેલા અનેક કાળા લોકો સાથે આવો વ્યવહાર થયો હતો પણ એક ગાંધીને સવાલ થયો કે હું કાળો છું તો મારી સાથે આવો વ્યવહાર કેમ અને આવું કેમ ગાંધીના મનમાં ઉઠેલા સવાલ આફિકા અને ભારતની આઝાદીના બીજ રોપ્યા હતા.