મેરાન્યૂઝ.અમદાવાદઃ

પ્રિય દોસ્ત, પોલીસ

આમ તો તને કોઈ મનથી દોસ્ત માનતુ નથી, પણ તારા વગર અમને ચાલતુ પણ નથી. તું રસ્તા ઉપર ઊભો રહે છે એટલે અમે અમારા ઘરમાં શાંતિથી રહી શકીએ છીએ. તું રાતના જાગે છે માટે અમે રાતે ડર વગર સુઈ શકીએ છીએ, અમે ભલે નાકે રૂમાલ બાંધી રસ્તા ઉપરથી પસાર થઈ જઈએ, પણ તું તો લાખો સાયલન્સરમાંથી નીકળતા ધુમાડાઓની વચ્ચે 12 કલાક ઊભો રહે છે. એટલે જ તો અમે ઘરે સમયસર પહોંચી જઈએ છીએ. દિવાળીના તહેવારને કારણે અમે ઘરે જવાની ઉતાવળમાં છીએ કારણ ઘરે અમારી કોઈક રાહ જોઈ રહ્યું છે. તારી સ્થિતિ તો જુદી છે કારણ રોજ તારી રાહ જોતા તારા ઘરડા મા-બાપ, તારા બાળકોની માતા અને તારી પત્નીએ હવે તારી રાહ જોવાનું પણ છોડી દીધું છે. તેઓ પોતાની દિવાળી-રક્ષાબંધન અને જનામાષ્ટી સહિતના તમામ તહેવારો હવે એકલા જ મનાવે છે, કારણ તેમને ખબર છે કે તું પોલીસવાળો છે.

દોસ્ત જ્યારે તું  પોલીસમાં ન્હોતો ત્યારે કદાચ અમારી જેમ તહેવારોમાં ફરતો હોઈશ, પણ હવે તું પોલીસ છે. તું અમારી સલામતી અને ચિંતામાં તારા તહેવારો ભુલી ગયો છે. તને દિવાળી ક્યારે છે અને હોળી કયારે તેની તો ખબર જ હોતી નથી, પણ તારો બંદોબસ્ત તને તહેવાર હોવાની યાદ અપાવે છે. તું સવારનો નીકળે છે અને છેક રાતે ઘરે પહોંચે છે. સવારે નીકળે ત્યારે તારા બાળકો સુતા હોય છે અને રાત્રે પહોંચે ત્યારે તારા બાળકો બાળકો સુઈ ગયા હોય છે. તે તારા બાળકોને પથારીમાં જ મોટા થતાં જોયા છે. ક્યારેક તને પણ તારા બાળકો સાથે રહેવાની ઈચ્છા થાય છે, પણ તારો સાહેબ તને ક્યાં રજા આપે છે. તારો સાહેબ પણ સાસુ જેવો છે, કારણ તેનો સાહેબ તેને પણ રજા આપતો નથી અને તેના કારણે તે તને રજા આપતો નથી. કાગળ ઉપર તો તને રજા મળે પણ વિકલી ઓફના દિવસે પણ તું નોકરી ઉપર હોય છે કારણ તું પોલીસવાળો છે.

દોસ્ત તું પોલીસમાં ન્હોતો ત્યારે તને પોલીસનો ડર લાગતો હતો આજે અમને તારો ડર લાગે છે, જાહેરમાં તો લોકો તારી સાથે સારી વાત કરે છે, પણ તારી પીઠ ફરે અને કઈક જુદુ બોલે છે. તું પોલીસમાં ન્હોતો ત્યારે આવો ન્હોતો. કદાચ તારી રોજ પંદર કલાકની નોકરી અને પરિવારથી દુર રહેવાને કારણે તારા સ્વભાવમાં રૂક્ષતા આવી ગઈ છે. હવે તારી બોલચાલની ભાષાની પણ ફર્સ્ટ ઈન્ફરમેશન રિપોર્ટ જેવી થઈ ગઈ છે. કોઈ તને પુછે કે કેટલા વાગે મળીશુ તો તું જવાબ આપે છે 23 કલાકે મળીશું તને ઘડિયાળના કાંટામાં 1થી12 આંકડા હોય છે તેવું યાદ જ નથી તારી ઘડિયાળ તો હવે અટકવાનું નામ જ લેતી નથી. તું નિષ્ઠુર નથી પણ તારી નોકરીએ તને આવો બનાવી  દીધો છે. તને કંઈક સારૂ ક્યારેય લાગ્યું તે તને યાદ નથી. તેની સાથે તને ખરાબ લાગવાનું પણ બંધ થઈ ગયું છે તારી ઉંમર કરતા અડધી ઉંમરના તારા સાહેબો તને તમે કહી વાત કરતા નથી. તે કાયમ તને તુકારે જ બોલાવે છે. તારા યુનિર્ફોમ ઉપર તારી નેમ પ્લેટમાં તારી અટક પણ હોતી નથી કારણ તું પોલીસવાળો છે.

દોસ્ત અડધી ગુજરાત પોલીસ આજે પણ પોલીસ લાઈનમાં રહે છે, છતાં લોકો માને છે કે પોલીસ બહુ કમાય છે. રસ્તા ઉપર તું લાઈસન્સ વગરના વાહન પાસેથી એકસો રૂપિયા લેતા આખુ ગામ તને જુવે છે, પણ કલેકટર ઓફિસમમાં પોતાની ચેમ્બરમાં બેઠેલા તલાટી મામલતદાર રોજ ખીસ્સામાં સમાય નહીં એટલે પૈસા લઈ જાય પણ તેઓ બદનામ થતા નથી, પૈસા તો બધાને લેવા ગમે છે, પણ આંગળી તો કાયમ સામેવાળા તરફ જ ચિંધાય છે. તારા  સાહેબ બહુ પ્રમાણિક છે તેવું તે સાંભળ્યું છે તે દિવાળીમાં કોઈની ભેટ સોગાદ લેતા નથી તેવી ચર્ચા છે, પણ સાહેબ દર દિવાળીમાં સ્વીઝરલેન્ડ અને બેંગ્કોકના પ્રવાસે જાય છે. તને કાકા-મામા- સસરા ગુજરી ગયા ત્યારે તેમને કાંધ આપવાનો સમય મળ્યો ન્હોતો, ઘરમાં કકળાટ થાય નહીં માટે સીક લીવ મુકી તું બેસણામાં જઈ આવ્યો હતો. તારી સાથે બધુ  આવું જ થશે તેવું તે માની લીધું છે કારણ તું પોલીસવાળો છે.

દોસ્ત તું ભાજીપાવની લારી ઉપર જાય અને તારી ડીશ તૈયાર થઈ જાય, તું પૈસા આપવાની વાત કરે તો લારીવાળો કહે છે સાહેબ તમારા તો પૈસા લેવાતા હોય. ધીરે ધીરે તને આ આદત થઈ જાય છે, તારો હાથ ખીસ્સામાં જાય છે પણ તે પૈસા આપવા માટે નહીં કે પૈસા મુકવા માટે, તું પોલીસ ન્હોતો ત્યારે આવો ન્હોતો. તને પણ ખબર છે લોકો તારા માટે શું બોલે છે. પહેલા તેમનો અવાજ તારે કાને પડતો હતો, પણ તે નિવૃત્ત થતાં પોલીસવાળાની હાલત અને ચાલુ નોકરીએ મરી જતા પોલીસ પરિવારને રસ્તે રખડતા જોયો ત્યારથી તેણે તારી સાથે વાત કરવાનું બંધ કરી દિધુ છે તું પૈસા તો કમાય છે પણ તારી પાસે પૈસા વાપરવાનો સમય જ રહ્યો નથી. તારા સગા વહાલામાં તારી ચર્ચા છે, અમારો ભાઈ પોલીસમાં છે. પણ તારો પોલીસ હોવાનો રૂઆબ તારા મિત્રો અને સગા વચ્ચે છે, તારી ઓફિસમાં તારી કેવી હાલત છે તેની તો તને જ ખબર છે. પોલીસમાં જોડાયો ત્યારે ખબર ન્હોતી તારે હાથમાં બંદુકની જગ્યાએ સાહેબના ઘરની સાવરણી હશે, ત્યાં તારી ઓળખ ઓર્ડરલીની છે કારણ તું પોલીસવાળો છે.

દોસ્ત તું ભણ્યો છે તારે તો પોલીસ અમલદાર થવું હતું, પણ તારી નિયતીએ તને પોલીસવાળો બનાવ્યો છે, તારા કરતા ઓછું ભણેલો તારો સાહેબ છે અને તેના કરતા ઓછું ભણેલો આજે મંત્રી છે. રસ્તા ઉપર પસાર થતી મંત્રીની કારને સલામ કરતી વખતે તારા શરિરમાં આગ લાગી જાય છે પણ તારા શરિર ઉપરની ખાખી તને શીસ્તની સમજ આપતી જાય છે. તારે શીસ્તના નામે ઉપરના તમામ સાચા ખોટા આદેશ માનવા પડે છે. ઘરે પહોંચે ત્યારે ક્યારેક નારાજ થતી તારી પત્નીને સમજાવવાના તારા તમામ પ્રયત્ન નિષ્ફળ જાય છે. પોલીસ સ્ટેશન અને ઘરની વચ્ચે તું અટવાય છે. તને ખબર જ પડતી નથી કે તારૂ સાચું ઘર કયું છે. તું પણ સંવેદનશીલ છે તને ગુસ્સો પણ આવે છે પણ તારા ગુસ્સાનો ભોગ મારા જેવો રસ્તે જતો માણસ અથવા કોઈ ગરીબ લારીવાળો બની જાય છે. તું અમારા જેવા ગરીબ અને સામાન્ય માણસને તમામ કાયદા બતાડે છે કારણ તું માને છે કે કોઈકે તો કાયદો પાળવો પડશેને કારણ તું પોલીસવાળો છે.

દોસ્ત તું પોલીસમાં ન્હોતો ત્યારે તને પોલીસ થવાનો અભરખો હતો, હવે તું તારી જાતને કોસ્યા કરે છે. તારે પોલીસમાં રહેવું નથી છતાં તું પોલીસની નોકરી  છોડી શકતો નથી કારણ અંદરનો પોલીસ તને હવે પોલીસની બહાર જવા દેવા માગતો નથી. કારણ પોલીસમાં આવ્યા પછી તું અંદરથી ડરપોક થઈ ગયો છે તને લાગે છે કે તને મળતુ માન અને સલામતી તું પોલીસ હોવાને કારણે છે. દિવાળીના તહેવારમાં તું રસ્તા ઉપર એકલો ઊભો છે, તારા માતા પિતાના ચરણ સ્પર્શ પણ તે આજે કર્યા નથી, તારી પત્નીએ બાળકો સાથે ફટાકડા ફોડી લીધા, તું રસ્તે જતા ટ્રાફિક અને મજા કરતા પરિવારોને જોઈ રહ્યો છે, અમે મજા કરી શકયા કારણ તે તારી મઝાને છોડી દિધી  છે, દિવાળીમાં તહેવારમાં તારી રૂક્ષતા, કડકાઈ થોડીક ઓછી કરજે, અમારા માટે નહીં તો કઈ નહીં તારી તબીયત માટે પણ થોડું બદલાજે, તું પ્રમાણિક થા તેવું તને કહી શકતો નથી કારણ બધી જ અપેક્ષા અમે તારી પાસે રાખીએ છીએ. છતાં નાના માણસને મદદ થાય તો કરજે, મોટાના તો મોટા સાહેબો હોય છે તું જેવો છે તેવો અમારો છે કારણ તું અમારો પોલીસવાળો છે.

 

થેંક યુ પોલીસ

એન્ડ

હેપ્પી ન્યૂ યર

લી. તારો ગુજરાતી દોસ્ત પ્રશાંત દયાળ