મેરાન્યૂઝ નેટવર્ક, ધ્રાંગધ્રા: સુરેન્દ્રનગર જીલ્લામાં કાળઝાળ ગરમીને કારણે ૪૬ ડિગ્રીને ઉપર તાપમાન જતું રહે છે અને શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં પાણીની સમસ્યા રહે છે. ત્યારે રાતના સમયે મેઇન પાઇપલાઇનમાં ભંગાણ થતા સમગ્ર શહેરના મેઇન રસ્તા ઉપર બે થી ત્રણ ફૂટ પાણી ભરાતા જાણે પૂર આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.
ધાંગધ્રા નગરપાલિકાની 100 મીટરની રેન્જમાં પાણીની મેઇન પાઈપલાઇનમાં ભંગાણ થતાં તંત્રના અધિકારીઓ ઉપર શંકા સેવાઈ રહી છે ત્યારે અંદાજે લાખો લીટર પાણીનો બગાડ થયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે. ધ્રાંગધ્રા મેઇન પાઇપલાઇન તૂટી જતા સમગ્ર શહેરમાં પાણી પર કાપ મુકવામાં આવ્યો છે. જ્યાં પાઇપ તૂટી ત્યાં આજુબાજુના 500 મીટરમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાઈ હતુ. પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં સમગ્ર શહેરમાં કાળઝાળ ગરમીમાં લોકો પાણીથી વંચિત રહેશે અને નગરપાલિકાના અધિકારીઓની બેદરકારીના કારણે આજે સમગ્ર ધાંગધ્રા શહેરના લોકોને પીવાનું પાણી તથા વાપરવા માટેનું પાણી નહીં મળતા ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.