પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): મારા એક વડિલ મિત્રનો સ્વભાવ છેલ્લાં કેટલાંક મહિનાથી બદલાઈ ગયો છે તેવી ફરિયાદ મારા મિત્રો અને ખુદ તેમના પરિવારની છે, વર્ષો સુધી સરકારી નોકરીમાં પોતાની સેવા આપનાર મારા આ વડિલ મિત્રને લાગી રહ્યું છે કે તેમના મિત્રો, તેમનો પરિવાર અને તેમના સિનિયર અધિકારીઓએ તેમની યોગ્ય કદર કરી નથી. આ લાગણીને કારણે મારા વડિલ મિત્ર હવે નાની નાની વાતોમાં ગુસ્સે થઈ જાય છે, તેમને તરત માઠુ લાગી જાય છે અને તેઓ નારાજ થાય એટલે તરત કહે છે કે હું નહીં હોઉં ત્યારે તમને મારી કિંમત સમજાશે, મારા વડિલ મિત્રનો આ વ્યવહાર એકદમ અનઅપેક્ષીત છે તેઓ પહેલા આવા ન્હોતા પણ થોડા મહિનાથી ક્રમશઃ તેમનો સ્વભાવ બદલાઈ રહ્યો છે જેના કારણે હવે તેમના નજીકના લોકો તેમનાથી દુર રહેવાનો પ્રયાસ કરે છે.

તેઓ આવુ કેમ કરી રહ્યા છે તેવું તેમને ખુદને અને તેમના નજીકના લોકોને ખબર પડતી નથી. પણ તેનું કારણ મારા વડિલ મિત્રની થોડા મહિના પછી સરકારી નોકરીમાંથી આવી રહેલી નિવૃત્તી છે, છેલ્લા ત્રીસ વર્ષથી ઘડિયાળાના કાંટે તેમની જીંદગી ચાલતી હતી. સવારે ઉઠવાથી લઈ, સાડા દસ વાગે ઓફિસ જવાનું, બે વાગે લંચબ્રેકમાં જમી લેવાનું, સાંજે છ વાગે ઘર તરફ પ્રયાણ કરવાનું વગેરે વગેરે કદાચ ઘડિયાળની સમય દર્શાવવામાં ભુલ કરી શકે પણ મારા મિત્ર ઘડિયાળ કરતા પણ વધુ ચોક્કસાઈથી પોતાની જીંદગી જીવ્યા છે. છેલ્લાં એક વર્ષથી તેમના મનમાં એક ગડમથલ ચાલી રહી છે કે હવે હું નિવૃત્ત થવાનો છું, પછી હું સવારે દસ વાગે ક્યાં જઈશ, જેની જીંદગીનો એક એ કલાકો  નોકરી સાથે જોડાયેલો હતો, ઓફિસ પહોંચતા જુનિયર તેમને સાહેબ કહી સંબોધતા હતા. હવે થોડા મહિના પછી કોઈ તેમને  સાહેબ કહેવાનું નથી, આવા અનેક પ્રશ્નનોના ઉત્તર તેઓ શોધી રહ્યા છે.

જ્યારે તેમને આવા અનેક પ્રશ્નનો ઉત્તર મળતો નથી ત્યારે તેઓ નાના બાળકની જેમ નારાજ થઈ જાય છે અને તેમની નારાજગી ગુસ્સામાં પરિવર્તીત થાય થાય છે,  મારા વડિલ મિત્ર જે સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે તેવી સમસ્યા નોકરીમાંથી નિવૃત્ત થનાર 99 ટકા લોકો અનુભવતા હોય છે. નિવૃત્તી નોકરીમાંથી થઈ રહી છે, તેના  પછી પણ જીંદગી ચાલતી રહેવાની છે. આટલી સામાન્ય સમજ તો તેમને છે, પણ સમસ્યા સાથે એક જ સરખી ઘરેડમાં ચાલતી જીંદગીની હવે ઉંમર છેલ્લા પડાવ ઉપર બદલવી પડશે તે પ્રશ્ન છે, ક્રાઈમ રિપોર્ટીંગ કરતા મને ત્રીસ વર્ષ થઈ ગયા, મેં અનેક પોલીસ અધિકારીઓને નિવૃત્ત થતાં જોયા છે, તેઓ પોલીસ અધિકારીઓ તરીકે શ્રેષ્ઠ અધિકારીઓ હતા પણ તેમનું નિવૃ્ત્ત જીવન સારૂ કહેવાય તેવું  ન્હોતું, પોલીસની નોકરીમાં સતત રજળપાટ અને દોડધામ સાથે તણાવ પણ હતો, પણ કદાચ રજળપાટ-દોડધામ અને તણાવ જ  તેમની જીંદગીઓનો ઓકસીઝન હતો.

પોલીસની નોકરીમાંથી નિવૃ્ત્ત થયા પણ તેઓ બધી બાબતથી મુકત થઈ ગયા, હવે તેમને મોડી રાત્રે કોઈ ફોન કરતું નથી, સાહેબ મારૂ એક કામ છે મને મદદ કરો તેવી કોઈ આજીજી કોઈ કરતુ નથી, કોઈ પણ પ્રકારનો તણાવ નથી છતાં તેમની જીંદગી હવે તેમને જીવવા જેવી લાગતી નથી. મેં અનેક નિવૃ્ત પોલીસ અધિકારીઓને તેમની નિવૃ્ત્તી પછી તરત જ મૃત્યુ પામતા  જોયા છે. જ્યારે ખરેખર તેમને પોતાના પરિવાર સાથે જીવવાનો વ્યવસ્થાએ સમય આપ્યો ત્યારે તેઓ નિરાશ થઈ ગયા અને મૃત્યુ પામ્યા, આવું પોલીસ સાથે જ થાય છે તેવું નથી ઘણા બધા સરકારી-ખાનગી વિભાગમાંથી નિવૃત્ત થતા અધિકારીઓ આ માનસીક યાતનામાંથી પસાર થાય છે પણ આવું થાય છે તો તેનો ઉપાય શું તે પણ એક મહત્વનો પ્રશ્ન છે.

મને લાગે છે કે, જેઓ સરકારી-ખાનગી નોકરીમાં ઉચ્ચ પદ ઉપર હોય છે અને જેમને રોજબરોજ સામાન્ય માણસો સાથે કામ લેવાનું હોય છે. તેઓ પોતાના નોકરીકાળમાં તેમને પોતાના પદને કારણે મળતા માનને કારણે ભુલી જાય છે કે એક દિવસ તેમને આ ખુરશી છોડી દેવી પડશે, તેમની પહેલા કોઈએ આ ખુરશી ખાલી કરી અથવા ખાલી થઈ તેના કારણે તેઓ આ ખુરશી ઉપર બેઠા છે, એક દિવસ તેમને પણ આ ખુરશી ખાલી કરી પડશે અને કોઈ નવો યુવાન આવી અહિયા બેસશે. મોટા ભાગના સરકારી-ખાનગી અધિકારીઓ માને છે કે તેઓ તેમને સોંપવામાં આવેલું કામ પુરી નિષ્ઠા અને ઈમાનદારીપુર્વક કરે છે, આવું તેઓ માને તેની સામે પણ વાંધો નથી પણ તે માનવા લાગે છે  કે તેઓ જે કામ કરી રહ્યા છે તેવું કામ તેમના સિવાય બીજુ કોઈ કરી શકે તેમ નથી.

આમ અમલદાર પોતાની અંદર રહેલા નાનકડા અહંમને પોતે જ પંપાળવાની શરૂઆત કરે છે. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ પેલો અહંમ પણ મોટો થાય છે. જેના કારણે તે અધિકારી માનવા લાગે છે કે નવી પેઢી પોતાના જેવી કામ અને મહેનત કરતી નથી અને પોતે જ્યારે આ ખુરશી છોડશે ત્યારે બધુ કામ ઠપ્પ થઈ જશે. વાત અહિયા અટકતી  નથી નિવૃત્તી પછી પોતાના વગર પણ બધુ યથાવત ચાલી  રહ્યું છે  તેવી ખબર પડે છે ત્યારે વધારે આધાત લાગે છે. નોકરી દરમિયાન સતત સાહેબ સાહેબના ઘોંઘાટમાં જીવવા ટેવાયેલા કાનને હવે કોઈ સાહેબ કહેતું નથી, કોઈ મળવા આવતુ નથી, અરે... કેમ છો પુછવા કોઈ જતુ નથી. તેનું એક અને મહત્વનું કારણ જ્યારે સાહેબ- સાહેબ હતા ત્યારે તેઓ કાયમ સાહેબ રહેવાના નથી તે વાત ભુલી ગયા હતા જેના કારણે હવે જ્યારે તેઓ પોતાની જુની  ઓફિસમાં જાય છે ત્યારે કોઈ તેમને જોઈ ઊભા થતા નથી આ બાબત હવે તેમને ડંખે  છે.

નિવૃતીમાં પણ જીવવાની મઝા પડે તે માટે  નોકરી ચાલુ હોય ત્યારે એકાદ ગમતુ  કામ પણ શોધી લેવું પડે,  તે કામ તમારો શોખની કોઈ બાબત પણ હોઈ શકે છે, નિવૃત્તી પછી  પૈસાની કદાચ જરૂર ના પણ હોય છતાં પ્રવૃત્તી રહે તેવું કામ હોવું જોઈએ, પણ નિવૃત્તીના પાંચ-દસ વર્ષ પહેલા તેની શરૂઆત કરવી પડશે, નોકરી દરમિયાન જ મનમાંથી એક ભ્રમ કાઢી નાખજો કે મારા વગર પણ દુનિયા અને ઓફિસ ચાલતી હતી અને મારા ગયા પછી પણ બધુ પહેલા જેવું અથવા  હું કરતો હતો તેના કરતા પણ ઉત્તમ ચાલતુ રહેશે. જીંદગીને મઝાની બનાવવા માટે તમારે જ કોઈ બહાનું ઊભું કરવુ પડશે તો નિવૃત્તી પછી પણ જીંદગી કેવી હોય તેનું ઉદાહરણ બનવા માટે જીંદગી મોજથી જીવવી પડશે.

મારા સિનિયર આઈપીએસ મિત્ર છે તેઓ વર્ષો પહેલા નિવૃત્ત થઈ ગયા, પૈસાપાત્ર અને સુખી છે, મેં એક દિવસ તેમની લકઝુરીયસ કારના ડેસ બોર્ડ ઉપર પોલીસનો ડંડો જોયો. મેં તેમને પુછ્યું સાહેબ આ ડંડો કેમ રાખ્યો છે, તેમણે કહ્યું પાંત્રીસ વર્ષ પોલીસમાં નોકરી કર્યા પછી પેલો અંદરનો પોલીસવાળો મારો પીછો છોડતો નથી. પછી મારા કાન પાસે મોંઢુ લાવી કહ્યું મને કોઈ સાહેબ કહે તે માટે બે નિવૃત્ત પોલીવાળાને મારા બંગલે નોકરી રાખ્યા છે. આખી જીંદગી સલામો  જીલી અને સાહેબ સાહેબ સાંભળ્યું છે મરતી વખતે પણ સાહેબ ગયા તે સાંભળવુ છે.