કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): માનવજાતને મહામારીથી સુરક્ષા બક્ષનાર અને આજે ભૂલાઈ જનારમાં વાલ્ડેમર હાફકિનનું નામ મોખરે લઈ શકાય. આઝાદી પૂર્વે ભારતને બે મહામારીમાં લાખોની જાન બચાવનાર વાલ્ડેમર હાફકિનનું નામ ભાગ્યે જ ક્યાંક દેખા દે છે. વાલ્ડેમરનું આ યોગદાન અપૂર્વ હતું અને તેમની સ્મૃતિરૂપે આજે પણ મુંબઈમાં હાફકિન ઇન્સ્ટિટ્યૂટ ઊભું છે. અંગ્રેજોની ગુલામી કાળ દરમિયાન કેટલીક જે મહામૂલી વ્યક્તિઓ હિંદુસ્તાનના સંપર્કમાં આવી તેમાં એક વાલ્ડેમર હતા. વાલ્ડેમરનું ભારત આવવું એક માત્ર સંયોગ હતો અને પછી તેઓ બે દાયકા સુધી અહીં રહ્યા. અહીંયા તેમણે કોલેરા અને પ્લેગની મહામારીમાં વેક્સિન શોધીને લાખોના જીવનને સુરક્ષિત બનાવ્યા.

વાલ્ડેમરના કહાનીની શરૂઆત ઓડેસ્સા(યુક્રેન) નામના રશિયાના શહેરથી થઈ હતી. 1860માં ઓડેસ્સામાં એક યહૂદી વેપારી પરીવારમાં તેમનો જન્મ થયો. યુક્રેનમાં જ તેમનું શિક્ષણ આરંભાયું. મેલોરોસિસ્કી યુનિવર્સિટીમાં નેચરલ સાયન્સમાં તેમનો પ્રવેશ થયો અને તેઓ અહીંયા ભવિષ્યમાં નોબેલ પારિતોષિકથી સન્માનતિ થનારા એલી મેચનીકોવ[Ilya Mechnikov]ના સંપર્કમાં આવ્યા. અહીંયા તેમણે ડૉક્ટરનો અભ્યાસ પૂર્ણ કર્યો પરંતુ રશિયાની તત્કાલીન ઝારશાસનમાં યહૂદીને ઊચ્ચ ડિગ્રી મળતી નહી, તેથી તેઓ ડૉક્ટરેટની ડિગ્રીથી વંચિત રહ્યાં. આનું એક કારણ તેઓ યુવાન વયે ક્રાંતિકારી યહૂદી જૂથો સાથે સંપર્ક ધરાવતા હતા તે પણ હતું. રશિયામાં ક્રાંતિ કરવાના તેમના સપનાં હતા સાથે કારકિર્દીમાં આગળ વધવાનું ઝનૂનેય હતું; તેથી તેઓ 1888માં સ્વિઝર્લેન્ડની ‘યુનિવર્સિટી ઓફ જિનિવા’ પહોંચ્યા. અહીંયા તેમનો ભેટો વેક્સિન સંશોધનમાં પાયારૂપ કાર્ય કરનારા લુઈ પાશ્ચર સાથે થયો. હાફકિન અહીં લાઇબ્રેરીયન તરીકે જોડાયા હતા, પરંતુ સાથે-સાથે તેઓ બેક્ટેરીયા પર સંશોધનનું કાર્ય પણ કરતા.

તે કાળે કોલેરા મહામારી ખૂબ પ્રસરેલી તેથી વાલ્ડેમરના પ્રયોગ કોલેરાની રસી બનાવવાનો હતો. 1892 આવતા સુધીમાં તેઓ કોલેરાની વેક્સિન બનાવવાના પ્રાથમિક સ્ટેજમાં પહોંચી ચૂક્યા હતા. પેરિસની ‘સોસાયટી ઓફ બાયોલોજી’માં તેમણે તેમના પ્રાથમિક સંશોધનના પરીણામ રજૂ કર્યા. અને પછીથી પોતાની જાત પર જ આ વેક્સિનના પ્રયોગ આદર્યા. આ ગાળામાં તેમની મુલાકાત અર્નેસ્ટ હેનકીન સાથે થઈ, જેઓ ભારતમાં મલેરીયા, કોલેરા અને અન્ય મહામારી પર સંશોધન કરી રહ્યા હતા. તેમણે વાલ્ડેમર હાફકિનને પ્રયોગ માટે ભારત આવવા જણાવ્યું. બંગાળમાં તે વખતે ખૂબ મોટા પાયે કોલેરા પ્રસર્યો હતો. 1893માં વાલ્ડેમર ભારત પહોંચ્યા અને તેમને અંગ્રેજ સરકારે વેક્સિનના પ્રયોગ માટે તત્કાલ મંજૂરી પણ આપી દીધી. અહીં તેઓ પ્રેસિડન્સી હોસ્પિટલમાં બેક્ટેરોલોજિસ્ટ તરીકે જોડાયા. બસ, અહીંયાથી ભારત સાથેનો તેમનો શરૂ થયેલો નાતો બે દાયકા સુધી ચાલ્યો. હાફકિનને જે પદ મળ્યું હતું તેમાં અંગ્રેજ સરકારની માગણી મુજબ ઝડપથી રસી શોધવાની હતી. રસી શોધવાનો પડકાર તેમની સામે હતો તેમ અહીંના અંગ્રેજ પદાધિકારીઓ અને હિંદુસ્તાનમાં તેના પ્રયોગ કરવાનાં પણ પડકાર હતા. પરંતુ મહિનાઓમાં જ રસી શોધીને બે વર્ષમાં અંગ્રેજ સૈન્ય, નાગરીકો અને સ્થાનિકો સહિત વાલ્ડેમરના દેખરેખ હેઠળ 42,000 કોલેરાની રસી આપી. આ રસીના પરીણામ તત્કાલિન સરકારને સારાં દેખાયા. હજુ તો કોલેરાની રસી આપીને તે બીમારી પર કાબુ મેળવ્યો હતો ત્યાં તો વળી મુંબઈમાં ઑક્ટોબર 1896માં મોટા પાયે બ્યુબોનિક પ્લેગ પ્રસર્યો. આ પ્લેગમાં મૃત્યુઆંક ખૂબ હતો, તેથી ઝડપથી રસી શોધવાની જવાબદારી ફરી હાફકિન પર આવી પડી. ચાર મહિનામાં ગાળામાં તેઓ ફરી પ્લેગની રસી શોધી શક્યા અને તેનો પ્રયોગ પણ પહેલાં જાત પર જ કર્યો. ત્યાર બાદ તે પ્રયોગ ભાયખલા જેલના કેદીઓ પર થયો. તે વખતે કેદીઓ પર રસીના પ્રયોગ થવા તે વાત સામાન્ય હતી. 154 કેદીઓ પર થયેલા પ્રયોગમાંથી ત્રણના મૃત્યુ થયા, પરંતુ ત્યાર બાદ તે રસીના પરીણામ સારાં મળ્યા. બસ, પછીના ત્રણ મહિનામાં 11,000 રસી પ્લેગગ્રસ્ત ક્ષેત્રમાં આપવામાં આવી. 1898માં બરોડા રાજ્યમાં પણ પ્લેગ પ્રસર્યો હતો અને ત્યાં ઉંધેરા ગામમાં હાફકિને આયોજનબદ્ધ વેક્સિનેશન કાર્યક્રમ કર્યો. અને તેના પરીણામ પણ સારાં મળ્યા, તેથી પછી મોટી સંખ્યામાં રસીનું ઉત્પાદન થયું અને અસરગ્રસ્ત ક્ષેત્રોમાં રસીકરણ કરવામાં આવ્યું.

પ્લેગ સામે જે રક્ષણ હાફકિને આપ્યું તેનાથી તેઓની ખ્યાતિ ઇંગ્લંડ સુધી પહોંચી. જોકે આ વચ્ચે એક ધર્મે યહૂદી અને મૂળે રશિયન હોવાના નાતે તેમના પર અનેક આરોપ પણ લાગ્યા. ઘણી વાર અંગ્રેજ અધિકારીઓના શંકાના દાયરામાં આવતા રહ્યા. જોકે હાફકિન આ બધાથી ચલિત થયા વિના પોતાના કામમાં મથતાં રહ્યા અને બીમારીઓ સામે લોકોને રક્ષણ આપતા રહ્યા. થોડા વર્ષો પછીથી તેમના દ્વારા શોધાયેલી પ્લેગની રસી પચાસ ટકા જ કારગર હતી એવું પુરવાર થયું. જોકે પ્લેગની મહામારીની અસરને તેઓ આ રસી દ્વારા પચાસ ટકા ઘટાડી શક્યા હતા. 

1902માં એક એવી ઘટના બની તેનાથી હાફકિનની તમામ ખ્યાતિ પર પાણી ફરી વળ્યું. બન્યું હતું એમ કે પંજાબના મુલ્કોવલ ગામમાં પ્લેગ પ્રસર્યો હતો. આ ગામમાં હાફકિનના દેખરેખ હેઠળ 107 લોકોને રસી આપવામાં આવી. આ રસી આપ્યા બાદ અહીંયા લોકો મૃત્યુ પામવા લાગ્યા અને પછી તેના આરોપ હાફકિન પર લાગ્યો. હાફકિન પર તપાસ બેસાડવામાં આવી અને તેઓ પોતાનો પક્ષ રજૂ કરતા રહ્યા. અંતે તપાસમાં એ નિષ્કર્ષ આવ્યું કે રસી આપવામાં થયેલી ગેરરીતીના કારણે લોકોના મૃત્યુ થયા, તેમાં હાફકિનની કોઈ ભૂલ નહોતી.

હાફકિનનો ભારત સાથેનો નાતો 1915 સુધી રહ્યો, પછી તેઓ કાયમ માટે યુરોપમાં રહ્યા. 1918માં ભારતમાં સ્પેનિશ ફ્લૂ પ્રસર્યો ત્યારે તેમને યાદ કરવામાં આવ્યા. પરંતુ હાફકિનના જીવનમાં વિજ્ઞાન સાથે હવે યહૂદી ધર્મ પ્રત્યે અપાર આસ્થા પ્રગટી હતી. તેમના પાછલું જીવન મહદંશે ધાર્મિક રહ્યું. 1925માં તેમની સ્મૃતિમાં મુંબઈમાં તેમના નામે ‘વાલ્ડેમર હાફકિન ઇન્સ્ટિટ્યુટ’ નિર્માણ પામી. ભારત સરકારે તેમના સન્માન અર્થે 1960માં પોસ્ટલ સ્ટેમ્પ પણ પ્રકાશિત કરી. 

વાલ્ડેમરનાં જીવન બહુરંગી છે અને તેમના અનુભવ પણ વ્યાપક હતો. અહીંયા માત્ર તેમના વિજ્ઞાન શાખાની ચર્ચા છે, બાકી તેમના ધર્મ પ્રત્યેના વલણનો પણ વિસ્તૃત અભ્યાસ થઈ શકે એમ છે. તેમના જીવનને આલેખતું 'મહાત્મા : ધ સેવિઅર મેનકાઇન્ડ નેવર ન્યૂ' નામનું પુસ્તક પણ પ્રકાશિત થઈ ચૂક્યું છે.