મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ- અમદાવાદની વૃષ્ટી જશુભાઈ કોઠારી અને શિવમ પટેલ નામનો યુવક છેલ્લા કેટલાક દિવસોથી ગુમ હતા. જેને લઈને બોલિવુડ અભિનેત્રી સોહા અલી ખાને શોધવા માટેની અપીલ કરી હતી. જેને લઈને સોશ્યલ મીડિયા પર આ બાબત ઘણી ચગી હતી. આખરે પોલીસે વહેલી તકે તેમને શોધવાની તજવીજ હાથ ધરી હતી. વૃષ્ટી અને શિવમ મિત્ર હોવાનું બહાર આવ્યું હતું. જે પછી શિવમ પર કિન્ડેપીંગની શંકાઓ પણ લોકોએ વ્યક્ત કરી હતી જ્યારે ઘણાએ પ્રેમ પ્રકરણ હોવાનું પણ મંતવ્ય મુક્યું હતું. પોલીસ તેમની સઘન તપાસ કરી રહી હતી પરંતુ તેમની ક્યાંયથી કડી મળી રહી ન હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેમને ઉત્તર પ્રદેશના પહાડી વિસ્તારોમાંથી શોધી કાઢ્યા છે. તેમને લઈ અમદાવાદ આવવા ક્રાઈમ બ્રાન્ચ ટીમ રવાના થઈ ચુકી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ વૃષ્ટીએ માતાને એક ઈમેઈલ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, હેલ્લો મોમ, તમે મારી ખૂબ ચિંતા કરી રહ્યા છો તેની સૌ પહેલા હું માફી માંગું છું. આવું કરવાનો મારો કોઈ ઈરાદો ન હતો. તમને દુઃખ પહોંચ્યું છે તેની હું માફી માંગું છું. એવી અમુક વસ્તુ હતી જેની સાથે હું રહી શકું તેમ ન હતી. તમે જ્યારે ગયા હતા ત્યારે મને એક ખૂબ આધ્યાત્મિક અનુભવ થયો હતો, આ વાત મેં તમને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ અનુભવને કારણે મારે આવું પગલું ભરવું પડ્યું છે. હું તમને ઇ-મેલ કરીને કહેવા માંગું છું કે હું એકદમ બરાબર છું. મને નોકરી મળી ગઈ છે. મારા દરેક પગલે પપ્પાનો મને સાથ છે. મોમ, હું તમને ખૂબ પ્રેમ કરું છું. મને ખબર છે કે મારા ઘર છોડી જવાથી તમને ખૂબ દુઃખ થયું છે. પરંતુ મને ખબર છે કે એક દિવસ તમે આ વાત સમજી શકશો.

પોલીસને આ ઈમેઈલ પરથી કડી મળી અને પોલીસે તે ઈમેઈલના આઈપી એડ્રેસ (ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ) પરથી તપાસ કરવાની શરૂ કરી અને લોકેશન મેળવ્યું હતું. પોલીસે આ ઉપરાંત તે લોકેશનના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેને આધારે પોલીસને વધુ મદદ મળી હતી. આખરે પોલીસે તેમને શોધી કાઢ્યા છે અને અમદાવાદ આવવા તેઓ રવાના થઈ ચુક્યા છે.