મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ વિરમગામ ટાઉન પોલીસના ટ્રાફીક જવાન પર પાંચેક લોકોએ છરી વડે ઘાતકી હુમલો કર્યો હતો. આ ઘટનામાં તેમને ઈજાઓ થવા પામી હતી. તેમને તુરંત સારવાર માટે ખસેડાયા હતા. ઘટનામાં ભાજપના કાઉન્સિલર દિલિપ કાઠીના બે ભાઈ તથા પુત્ર સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. જે પૈકી ત્રણની સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે પોતાના નિત્યક્રમ પ્રમાણે વિરમગામ ટાઉન પોલીસમાં ટ્રાફીક હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ગિરવતસિંહ વાઘેલા પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. દરમિયાન એક એક્ટિવા માલિકને વાહન હટાવવા કહ્યું હતું જેથી તે ઉશ્કેરાઈ ગયો અને ગિરવતસિંહ સાથે જીભાજોડી કરવા લાગ્યો. જે પછી પોલીસ કર્મચારીએ એક્ટિવા જપ્ત કરી હતી. પોતાની પર કાર્યવાહી થતાં પિત્તો ગુમાવી ચુકેલા એક્ટિવા ચાલકે અન્ય ચાર લોકોને પણ બોલાવ્યા અને પોલીસ કર્મચારી પર હુમલો કરી દીધો અને છરી વડે હુમલો કરતાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા.

ઈજાગ્રસ્ત પોલીસ કર્મી વાઘેલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે પોલીસે ભાજપના કાઉન્સિલર કાઠીના ભાઈઓ અને પુત્ર સહીત 5 સામે ફરિયાદ નોંધી છે જેમાંથી 3 પકડાઈ ગયા છે જ્યારે અન્ય બે હજુ (આ લખાય છે ત્યાં સુધી) હાથ લાગ્યા નથી.