મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત રાજય માં યોજાઇ રહેલા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના મતદાન અન્વયે ગોંડલ તાલુકા પંચાયતની ઘોઘાવદર બેઠક અને રાજકોટ જિલ્લા પંચાયતની મોવિયા બેઠકના વાછરા મતદાન મથક ખાતે મતદાનની ગુપ્તતાનો ભંગ કરતો વિડીયો વાયરલ થયો હતો. સમગ્ર મામલે ચૂંટણી દરમિયાન ગુપ્તતાનાં ભંગ અંગે નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

જાણવા મળતી વિગત મુજબ, વાછરા મતદાન મથક ખાતે પ્રિસાઇડિંગ ઓફિસરની જાણ બહાર જ કોઈક મતદારે મતદાન કરતો વિડીયો ઉતારીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ અંગે પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ અહેવાલ રજૂ કરાયો હતો. સમગ્ર ઘટનાની જાણકારી મળતા ચૂંટણી અધિકારી દ્વારા સંબંધિત પોલીસ થાણા અધિકારીને જાણ કરવામાં આવી છે.


 

 

 

 

 

આ સાથે જ સમગ્ર બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈ ગોંડલ તાલુકા પંચાયતના ચૂંટણી અધિકારી ઉપરાંત રાજકોટ જિલ્લા પંચાયતના ચૂંટણી અધિકારી દ્વારા આ મામલે ચૂંટણીના નિયમો મુજબ મતદાર દ્વારા કરવામાં આવેલ મતદાનની ગુપ્તતાના ભંગ અંગે નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવાનું પણ જણાવાયું છે. જો કે હવે પોલીસ ક્યારે જવાબદારને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.