જય અમીન (મેરાન્યૂઝ.મોડાસા): અરવલ્લી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝેરોક્ષ કોપી હોય તેવો ચહેરો ધરાવતા કર્ણાટકના સદાનંદ નાયક માલપુર તાલુકામાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પ્રચાર અર્થે લાવીને લોકોમાં અને મતદારોમાં આકર્ષણ ઉભું કર્યું છે. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે માલપુર તાલુકાના વાવડી સીટ પર ભાજપના ઉમેદવાર મહેશ પટેલના સમર્થનમાં બાઈક અને પગપાળા રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડુપલીકેટએ મતદારોમાં અનોખું આકર્ષણ ઉભું કર્યું હતું. ગ્રામ્ય વિસ્તારના લોકોએ નરેન્દ્ર મોદીના હમશકલ સાથે ફોટા પડાવવા અને સેલ્ફી લેવા પડાપડી કરી હતી. માલપુર તાલુકામાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના ઉમેદવારોના પ્રચાર-પ્રસારમાં જોતરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અરવલ્લી જિલ્લામાં ભારે ગરમાવો છે. ત્યારે વિવિધ પક્ષો અવાનવા નુસખાઓ ચૂંટણી પ્રચાર અર્થે અપનાવે છે ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક અનોખો નુસખો અપનાવામાં આવ્યો છે. જેમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ભાજપ કાર્યકરો દ્વારા પ્રધાનમંત્રીની આબેહૂબ શકલ ધરાવતા કર્ણાટકના એક વ્યક્તિ કે જેમનું નામ સદાનંદ નાયક છે. જે માલપુર તાલુકાના 10 થી 15 ગામડાઓમાં જઈને ચૂંટણી પ્રચાર અર્થે રેલીઓ તેમજ સભાઓમાં જોડાયા હતા. જેમને જોઈને લોકોમાં નરેન્દ્ર મોદીના ડુપ્લીકેટને જોઈને આશ્ચર્ય ચકિત બન્યા છે. નરેન્દ્ર મોદીના ડુપ્લીકેટને જોઈને મતદારોમાં ભારે ઉત્સાહ વ્યાપ્યો છે.

મોદીના હમશકલ  સદાનંદ નાયક જેતે ગામડામાં પ્રચાર અર્થે જાય છે ત્યાં લોકોના ટોળેટોળા ઉમટે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આબેહૂબ શકલની સાથે સાથે તેમની અલગ અલગ સ્ટાઇલો સાથે સદાનંદ નાયક લોકોમાં અને મતદારોમાં મોદીના નામથી ઓળખવા લાગ્યા છે. માલપુર તાલુકામાં મતદારોને આકર્ષવા માટેનો એક અનોખો પ્રયાસ માલપુર તાલુકાના ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હતો અને નરેન્દ્ર મોદીના ડુપ્લીકેટ કર્ણાટકના રહીશ સદાનંદ નાયકે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સદાનંદ નાયકે અરવલ્લીના માલપુરમાં પ્રચાર અર્થે આવીને ખૂબ ખુશી વ્યક્ત કરી હતી.