મેરાન્યૂઝ નેટવર્ક.નડિયાદઃ નડિયાદ પોલીસ મહુધા તાલુકાના સાપલા ગામે જુગાર રમાતો હોઈ રેડ કરવા માટે ગઈ હતી. પોલીસ આ દરમિયાન આરોપીઓ છટકી ન જાય તે માટે સાદા ડ્રેસમાં ગઈ અને વાહનમાં પણ પીકઅપ ડાલું વાપર્યું. જેને પગલે આરોપીઓ તો શું ગ્રામજનો પણ તેમને ઓળખી શક્યા નહીં. એક તો સીવિલ ડ્રેસ અને બીજું પીકઅપ ડાલું આ જોઈ ગામના લોકો તેમને પશુ ચોર સમજ્યા અને પકડીને ઢોર માર માર્યો, સાથે જ તેમને ત્રણ કલાક સુધી તો મંદિરમાં ગોંધી રાખી તેમની સાથે પુછપરછ કરી. જોકે પોલીસે આઈકાર્ડ બતાવ્યું પણ તેઓ સમજ્યા નહીં અને તેમને છોડ્યા નહીં. આખરે ધારાસભ્ય ત્યાં પહોંચ્યા અને તેમણે ગામના લોકોને સમજાવ્યા ત્યારે તેમણે પોલીસ કર્મચારીઓને મુક્ત કર્યા.

વિગતવાર માહિતી એવી મળી હતી કે, મહુધા પોલીસની એક ટુકડી પેટ્રોલિંગમાં હતી અને તેમને માહિતી મળી કે સાપલા ગામમાં શ્રાવણીયો જુગાર રમાય છે. પોલીસે જુગારીઓને પકડવાનો પ્લાન બનાવ્યો અને તેઓ 8 કર્મચારીઓ પીકઅપ ડાલુ લઈ ત્યાં ગામમાં પહોંચ્યા આ દરમિયાન 15 જુગારીઓને જુગાર રમતા પકડી પાડ્યા હતા. જેને કારણે ભારે ઉહાપોહ મચ્યો, હવે ગામમાં ક્યાંક ઉહાપોહ થાય તો સ્વાભાવીક લોકો ભેગા થઈ જાય તેવું જ અહીં થયું. લોકો દોડી આવ્યા અને કાંઈ વિચાર્યા વગર અજાણ્યા લોકોને પશુ ચોર સમજી ઢોર માર મારવા લાગ્યા. ગ્રામજનોએ પોલીસ કર્મચારી આલેફખાન, ભૂપેન્દ્રસિંહ અને શબ્બીરખાનને પકડી ગામના ભાથીજીના મંદિરે ગોંધી રાખ્યા હતા.

જોકે પોલીસે આ દરમિયાન તેમનું ઓળખ કાર્ડ (આઈ-કાર્ડ) બતાવ્યું પણ ગામના લોકો સમજ્યા નહીં અને તેમને નહીં છોડાય તેવું નક્કી કર્યું જેને પગલે મહુધા પોલીસ સ્ટેશનના અધિકારીને આ અંગે જાણકારી આપી જેથી ગામના લોકો સાથે તેમણે વાત કરી બંધકોને છોડાવ્યા હતા. આ માહિતી ધારાસભ્યને મળતા તેઓ પણ ગામમાં પહોંચ્યા. આ તમામ ઘટનાક્રમ બાદ પોલીસે ભીખા રામાભાઈ, રામા શકરાભાઈ, ચીમન અમરાભાઈ, અરવિંદ, ભૂરિયો પટેલ, જેણા રામાભાઈનો દિકરો ભજિયાવાળો, ગોરધન અને બીજા કેટલાક 15 શક્શોને જુગાર રમતા પકડ્યા હતા. જોકે ગ્રામજનોમાં અગાઉ બનેલી ઘટનાઓને લઈ ઘણો ભય હતો જેને કારણે આખી ઘટના ઘટી ગઈ.