મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ જાણિતા અભિનેતા વિજુ ખોટેનું આજે સોમવારે નિધન થયું છે. તેઓ 77 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા છે. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર રહેતા હતા. આજે તેમણે પોતાના મુંબઈ ખાતેના ઘરમાં અંતિમ શ્વાસ લીધા છે. ઉલ્લેખનીય છે કે વિજુ ખોટેને તેમના મૂળ નામ કરતાં તેમણે નિભાવેલા કાલિયાના કેરેક્ટરથી વધુ ઓળખાણ મળી છે. તેમણે ફિલ્મ શોલેમાં કાલિયાના કેરેક્ટરનો અભિનય કર્યો હતો જેમાં ગબ્બર સિંગ (અમજદ ખાન)નો ડાયલોગ છે કે અબ તેરા ક્યા હોગા કાલિયા અને કાલિયા (વિજુ ખોટે) કહે છે સરદાર મેંને આપકા નમક ખાયા હૈ. આ સંપુર્ણ સીન ઘણો વખાણાયો હતો.

ફિલ્મ શોલે ઉપરાંત તેમણે પોતાનાં કરિયરમાં 1964માં ‘યા મલક’ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. ‘ચાઈનાગેટ’, ‘મેલા’, ‘અંદાજ અપના અપના’, ‘ગોલમાલ -3’,‘અતિથિ તુમ કબ જાઓગે’  અને ‘નગીના’ સહિત 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. મરાઠી ફિલ્મો, ટીવી સિરિયલની સાથે ઘણા નાટકો પણ તેમણે કર્યા હતા. તેમના નિધનથી ઘણા ચાહકોએ તેમને સોશ્યલ મીડિયાથી માંડી ઘણા પ્લેટફોર્મસ પર દુઃખ અને શ્રદ્ધાંજલી વ્યક્ત કરી છે. તેમના પિતા નંદુ ખોટે પણ એક ફેમસ અભિનેતા હતા તેમના આન્ટી, નાનાભાઈ સહિતના પરિવારમાં પણ અભિનય વસ્યો હતો. એક રીતે કહી શકાય કે તેમના વારસામાં જ અભિનય હતો.