મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ રાજ્યમાં દારૂબંધીની અમલવારી કાગળ પર રહી હોય તેમ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે યુવાધન દારૂના ખપ્પરમાં હોમાઈ બરબાદીની ગર્તામાં ધકેલાઈ રહ્યું છે. મોટેભાગે શ્રમજીવી પરિવારોના મોભી અને યુવાનો દેશી દારૂ અને તાડીનાં નશામાં અકાળે મોતને ભેટી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના નવાભગામાં યુવાધનને નશાના ખપ્પરમાં હોમાતું અટકાવવા ગામલોકોએ એક તાકીદની ગ્રામસભા યોજી હતી. જેમાં વિગતવાર ચર્ચા વિચારણાના અંતે ગ્રામસભામાં ઠરાવ પસાર કર્યો કે ગામમાં કોઈપણ વ્યક્તિ દારૂનું વેચાણ કરવા દેવામાં આવશે નહીં. ઉપરાંત ગામનો કોઈપણ યુવાન દારૂ પીશે નહીં. છતાં પણ કોઈ દારૂ પીધેલું પકડાશે તો ગામના આગેવાનો જાતે તેને પકડીને પોલીસ હવાલે કરી દેશે.

આદીવાસી વિસ્તારાના છેવાડાના ગામે પરિપત્ર બહાર પાડીને દારૂ પીનાર અને વેચનારને પોલીસ હવાલે કરવા નિર્ણય લીધો રાજ્યમાં દારૂબંધી છે. આમછતાં ઠેરઠેર દારૂ પીવાય એ હકીકતથી સૌ વાકેફ છે. ત્યારે જિલ્લાના વિજયનગર તાલુકાના છેવાડાના ગામ નવાભગામાં કડક દારૂબંધી લાગૂ કરી છે. દારૂ પીવાથી અકસ્માત સહિતના કારણે ગામના યુવાધનના મોત નિપજ્યા છે. ત્યારે ગ્રામસભા યોજીને ગામલોકોએ ગામમાં કડક દારૂબંધીનો નિયમ લાગૂ કરી દીધો છે અને દારૂ પીનાર તથા વેચનારને પોલીસ હવાલે કરવાનો નિર્ણય કરાયો છે. આદીવાસી વિસ્તારના છેવાડાના ગામના લોકોએ પરિપત્ર જાહેર કરીને રાજ્યના અન્ય ગામડાંઓને એક રાહ ચીંધી છે.
વિજયનગરના સરહદી વિસ્તારના નવાભગવા ગામમાં લાંબા સમયથી દારૂનું વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હતો. ગામનું યુવાધન દારૂના રવાડે ચડી ગયું હતું. અતિશય દારૂના સેવનથી કેટલાક યુવાનોએ અકસ્માતોમાં જીવ ગુમાવ્યા હતા.

જેના પગલે તેમના ઘરોમાં આવેલી નાની ઉંમરની પરિણીતાઓએ વિધવા બનવું પડ્યું હતું, ઉપરાંત દારૂની બદીના કારણે આ વિસ્તારના લોકોમાં શિક્ષણનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે નીચું જતું રહ્યું હતું. ગામના યુવાનો દારૂના રવાડે ચડતા નોકરી કે ધંધો કરતા ન હતા. ઉપરાંત તેમને કોઈ નોકરીએ પણ રાખતા ન હતા. જેને પગલે અહીં બેરોજગારીનું પ્રમાણ વધારે હતું. ગામનો વિકાસ રૂંધાવાનું કારણ એકમાત્ર દારૂ જ હતું.