મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ લોકસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે રાજ્યની ભાજપ સરકાર દ્વારા પ્રજાજનોને અપાયેલ વિકાસના કામો પરિપૂર્ણ કરવાની સાથે લોકર્પણ માટે રોકેટ ગતિએ રાજ્યમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહીત મંત્રીઓ દોડાદોડી કરી રહ્યા છે. ૧૫ ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી જીલ્લામાં ૪૮ કરોડ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરવા આવવાના હોવાથી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તાડામાર તૈયારીઓ હાથધરી મોડાસા શહેરના અગ્રણી શૈક્ષણિક સંકુલ મોડાસા હાઈસ્કૂલના મેદાનની પસંદગી કરી મંડપ બાંધવા સહિતની કામગરી હાથધરવામાં આવી હતી. લગભગ ૫૦ ટકાથી વધુ મંડપ બંધાયા પછી અચાનક વહીવટી તંત્ર દ્વારા સ્થળ બદલી સરકારી એન્જીનીયરીંગ કોલેજ હોસ્ટેલ સામેના મેદાનમાં કાર્યક્રમ યોજવાનો નિર્ણય લેતા મોડાસા શહેર સહીત જીલ્લામાં અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. 

૧૫ ફેબ્રુઆરીએ વિવિધ વિકાસના જીલ્લામાં થયેલ કામોના લોકાર્પણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરની મોડાસા હાઈસ્કૂલના મેદાનમાં લોકાર્પણ સાથે સભા સંબોધવાના હતા. મંડપ પણ ૫૦ ટકાથી વધુ બંધાયા પછી અચાનક સ્થળ બદલાતા સોમવારે સાંજે મંડપ છોડવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ અંગે જીલ્લા કલેક્ટર એમ.નાગરાજનને પુછતા જણાવ્યું હતું કે, ૧૫ તારીખે ધોરણ-૧૨ સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરુ થતી હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન ડિસ્ટર્બ ના થાય અને જગ્યા નાની પાડવાની સંભાવનાના પગલે સ્થળ બદલ્યું છે.

મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિન શાહના જણાવ્યા અનુસાર ૧૫ ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી મોડાસા હાઈસ્કૂલના મેદાનમાં વિકાસના લોકાર્પણના કાર્યક્રમનું આયોજન વહીવટી તંત્ર દ્વારા થતા અનેરો ઉત્સાહ હતો, પરંતુ અચાનક મંડપ છોડી દેવાતા અમને પણ આશ્ચર્ય થયું હતું.