મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ: નર્મદાના પાણીને લઈને ગુજરાત અને એમપી સરકાર વચ્ચે વિવાદ શરૂ થયો છે. મધ્યપ્રદેશે વીજળીનું ઓછું ઉત્પાદન હોવાનું કારણ આપીને નર્મદાનું પાણી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ મામલે રાજકોટ આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે કહ્યું કે, 1979 માં નામદાર કોર્ટે કરેલા આદેશ અનુસાર ચાર રાજ્યોમાં નર્મદાના પાણીનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર આ મામલે રાજકારણ કરી રહી છે. પણ ગુજરાત સરકાર એમપી ની કોઈપણ ધમકી સહન નહીં કરે.

વધુમાં તેમણે જણાવ્યું કે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે. તેના આ પ્રકારના નિવેદનોથી લોકોનું અહિત કરવાની કોંગ્રેસની નીતિ છતી થાય છે. અગાઉ પણ નર્મદા યોજના અટકાવવા માટે કોંગ્રેસ દ્વારા અનેક પ્રયાસો કરાઈ ચુક્યા છે. પરંતુ નર્મદાના પાણી બાબતે નિર્ણય કરવાનો અધિકાર ચારમાંથી કોઈ રાજ્ય પાસે નથી. વીજળીના ઉત્પાદન અંગે તેમણે કહ્યું કે, સરદાર સરોવર બ્રીજના 250 મેગાવોટ કેનાલ હેડ પાવર હાઉસમાં વીજળીની ઉત્પાદન કરાઈ રહ્યું છે. અને વીજળીનું ઉત્પાદન થયા બાદ પાણી ઉપયોગમાં લેવાય છે. એટલું જ નહીં આ વીજળી પૈકી 57 ટકા વીજળી મધ્યપ્રદેશને આપવામાં આવતી હોવાનો દાવો પણ તેમણે કર્યો છે. 

વિજય રૂપાણીના કહેવા મુજબ 40 વર્ષથી ચારેય રાજ્યો મળીને નર્મદાના પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ ક્યારેય કોઈ સમસ્યા થઈ નથી. પણ મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર રાજકારણથી પ્રેરિત થઈને પાણી રોકવાની વાત કરે છે. જે ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. મધ્યપ્રદેશ ના મંત્રીઓ અને મુખ્યમંત્રીઓને ચેતવણી આપું છું કે, આ મુદ્દે રાજકારણ ન કરે. આ વાત કમલનાથજી કે તેમના લોકોને શોભતી નથી. કરાર અનુસાર 2024 સુધી ગુજરાતને નર્મદાનું પાણી લેવાનો અધિકાર છે. અને અમારા આ અધિકારને કોઈ છીનવી નહીં શકે. સાથે જ ગુજરાત કોંગ્રેસને પણ આ બાબતે ખુલાસો કરવાની અપીલ પણ તેમણે કરી છે.