મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ:મુખ્યમંત્રી વિજયભાઈ આપને ખુલ્લો પત્ર લખું, તેના કરતા ઉઘાડો પત્ર લખું છું એ વધુ સારું રહેશે. કારણ કે આ પત્રમાં વાત પણ આપની સંવેદનશીલતા અને વી.આઈ.પી. કલચર નાબૂદીની વાતોને ઉઘાડી પાડવાની જ છે. આપના જેવા સરળ અને સાલીન માણસને આ વ્યંગ ઘણો થઈ પડશે હું જાણું છું, માટે જોડણી કોષમાંના અઘરા શબ્દોનો પ્રયોગ જરૂરી નથી માનતો. આમ પણ આપના જેવા સરળ માણસને પત્ર સરળ ભાષામાં જ લખવો જોઈએ એવું મારું માનવું છે.

કોરોના વાઇરસ આપણા દેશ અને રાજ્યના નાગરિકોને ભરડામાં લઈ રહ્યો છે. દેશની હાલત માટે પ્રધાનમંત્રી જવાબદાર હોય તેમ રાજ્યની હાલત માટે સીધા મુખ્યમંત્રીના પદે બિરાજમાન આપ જ જવાબદાર હોય. આપે કોરોનાને નાથવાની જાહેરાતો અને કાર્યક્રમો શરૂ કર્યા એ ખૂબ જ સરાહનીય કાર્ય છે, તેની કોઈ તકલીફ નથી, પરંતુ આપે માત્ર જાહેરાતો જ કરી એ તકલીફ છે. માત્ર તકલીફ હોય તેવું પણ નથી આપના નાગરિકો માટે પીડાદાયક પણ છે. છતાં આપનો અને આપના તંત્રનો ડર જ છે જે લોકોને મૂંગા મોં એ દુઃખ પીડા સહન કરવા મજબુર કરે છે. 


 

 

 

 

આપની સંવેદનશીલ સરકાર ત્યારે જ ઉઘાડી થઈ ગઈ હતી જ્યારે આપના પક્ષના પ્રદેશ અધ્યક્ષ પાટીલ રેલી-સરઘસ કરતા હતા (ટૂંકમાં લોકોના જીવ જોખમમાં મૂકતા હતા) અને આપ ની:શબ્દ તમાશો જોતા હતા અને સામાન્ય લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના દંડ ઉઘરવાતા હતા. આપની રાજ્ય પ્રત્યેની નિષ્ઠા ત્યારે જ ઉઘાડી પડી ગઈ હતી જ્યારે રાજ્ય કોરોનાના મુખ માં જઈ રહ્યું હતું અને આપની સરકાર ડોનાલ્ડ ટ્રમ્પના (એ ટ્રમ્પ જેના કાફલામાં આપની ગાડી સુદ્ધા સાથે ન્હોતી જોડાવા દીધી) સ્વાગત માટે બેનામી સમિતિ રચી સ્વાગત કરવામાં વ્યસ્ત હતા. રાજ્યની પ્રજા પ્રત્યેની વફાદારી ત્યારે જ ઉઘાડી પડી ગઈ હતી જ્યારે લૉકડાઉનના સમયમાં અનેક લોકો પોતાના ઘરથી દૂર ફસાયેલા હતા, ભૂખ્યા હતા અને આપ એ.સી. ચેમ્બરમાંથી જાહેરાતો કરવામાં મસ્ત હતા અને કોરોના ગ્રસ્ત દર્દીની લાશ અમદાવાદના બસ સ્ટોપ પરથી મળી હતી.

આપ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે આપના વી.આઈ.પી. કલચર પ્રત્યેના અભિગમથી હું ખૂબ ખુશ થયો હતો. મુખ્યમંત્રી જમીન સાથે જોડાયેલો મળ્યાનો આનંદ પણ હતો, પરંતુ આપને પણ મુખ્યમંત્રીની ખુરશીનો કેફ લાગી ગયો હોય તેવું જણાય છે. આપના રાજમાં વી.આઈ.પી. કલચર ગયું હોત તો આજે કોરોના ગ્રસ્ત આપના નેતાઓ માટે હોસ્પિટલ (વૈભવી હોટેલ ટાઈપ) અને સ્પેશિયલ ડૉકટર્સની ટીમ ધક્કા ના ખાતી હોત. આપના નેતાઓ જ નહીં પણ આપે તમામ જીવ માત્રના કલ્યાણ અને ઉધ્ધારની કામના કરવી જોઈએ માટે એમના સારા સ્વાસ્થ્યની પણ કામના કરું છું. પરંતુ અહીં એ વાત છે કે વી.આઈ.પી. ટ્રીટમેન્ટ માટે આપ આદેશ કરી વ્યવસ્થા કરી શકો છો તેવી રાજ્યના નાગરિકો માટે પણ કરવી જોઈએ. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના સ્થળો એ સરકારી હોસ્પિટલ્સની બેદરકારી કે યેનકેન પ્રકારે સારવારમાં અછતની વાત સામે આવી છે. તો આપની રાજ્યના જવાબદાર નાગરિક તરીકેની જવાબદારી ફોટો પડાવી જાહેરાતો આપવાની નથી પણ વ્યવસ્થામાં ચૂક ના થાય એ વાત સુનિશ્ચિત કરવાની છે. 


 

 

 

 

કોરોના રૂપી અજગર કેટલાય સંતાનોને નોંધારા કરી ગયો, કેટલાકે વ્હાલસોયા ખોયા તો કેટલાકે વડીલો, આપ પણ પરિવાર ધરાવતા નેતા છો માટે એ વેદના અને દુઃખ સમજી શકો છો. માટે સૂચન કરવાનું મન થાય કે હજુ પણ આપની રાજકીય અને અંગત ઈચ્છા શક્તિ કેટલાયના જીવ બચાવી શકે તેમ છે, બસ માત્ર રાજકીય ચિંતાઓ કોરાણે મૂકી કાર્યોનો આરંભ કરો. કહેવાય છે કે શુભ કાર્યની શરૂઆત કરવામાં જરા પણ સમય ના બગાડવો જોઈએ. કદાચ તમે જ એવું કહ્યું હતું કે સત્તા હંમેશા માટે નથી હોતી. તો આપના રાજ્યના નાગરિકો માટે તમે પણ કડક હાથે (ચાહે કોઈ પણ હોય આપના નેતાઓ જ કેમ નહીં) કામ લઈ કોરોના અટકાવવાની શરૂઆત કરશો તેવી આશા છે, જેથી આપની સત્તા દરમ્યાન જ એ શુભ કાર્ય પણ થાય. આ સાથે જ કડક હાથે દંડ વસુલાય છે એ જ પ્રકારે અને ગતિથી કોરોનાના દર્દીની સેવા પણ રાજ્ય સેવક તરીકે કરો તેવી શુભેચ્છાઓ પાઠવું છું. 

આ ઉઘાડા પત્રમાં માઠું લાગે એવી કોઈ વાત તો નથી કરી છતાં આપને માઠું લાગ્યું હોય તો એ આપના શાસન કરવાની નબળી કુનેહ સમજવી. ઉઘાડા શબ્દોમાં ઉઘાડો પત્ર રાજકોટમાં પરિવાર ધરાવતા વિજયભાઈ રૂપાણીને મળશે તો મારી વાત ઝડપી ગળે ઉતરશે કેમકે સત્તાનો પાવર સત્યને પચાવવાની ગતિ ધીમી કરી નાખે છે (મારા મતે).

તુષાર બસિયા
(રહેવાસીઃ રાજકોટ)