મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં સરદાર પટેલની વિરાટ પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી રેલવે લાઈન ઝડપથી નાખવા સાથે ગરુડ યોજના અન્વયે વર્ષ ૨૦૧૯માં ફાઈવસ્ટાર હોટલ સહિત ગાંધીનગરના મોડેલ કેપિટલ રેલ્વે સ્ટેશનની કામગીરી પૂર્ણ કરાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે દિલ્હીમાં રેલ્વે બોર્ડના ચેરમેન અશ્વિની લોહાની સાથે વન ટુ વન બેઠક યોજી હતી. જેમાં ગુજરાતના છ જેટલા મહત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટ અંગે ચર્ચા વિચારણા કરી નિર્ણયો કર્યાં હતાં. તે અનુસાર વડોદરામાં દેશની સૌ પ્રથમ રેલ્વે યુનિવર્સિટી માટે નવું મકાન-જમીન વગેરે કાર્યોમાં ગતિ લાવવા સરકાર અને રેલવે બોર્ડ સાથે મળી કામ કરશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકોને રૂબરૂ મળીને આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી થવા ઇજન પાઠવ્યું હતું. વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ની પૂર્વ તૈયારી રૂપે મુખ્યમંત્રીએ એમ.જી મોટર્સના એમ.ડી રાજીવ છાબડા, ડીસીએમ શ્રીરામના સી.ઈ.ઓ વિક્રમ શ્રીરામ, ભારતી એન્ટરપ્રાઇઝીસના વાઇસ ચેરમેન રાજનભારતી મિત્તલ, એકમે સોલારના ચેરમેન મનોજ ઉપાધ્યાય, રિન્યુ પાવર વેન્ચરના સી.ઇ.ઓ. સુમન્ત સિન્હા અને સ્પાઇસ જેટના ચેરમેન અજય સિંહ સાથે બેઠકો યોજી હતી.

આ ઉપરાંત વિજય રૂપાણીએ વાયબ્રન્ટ સમિટ માટે યોજેલી વન ટુ વન બેઠક શ્રૃંખલામાં મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર કેનિચી અયુકાવા સાથે ગુજરાતમાં મારુતિ મોટર્સનો નવો પ્લાન્ટ શરૂ કરવા પરામર્શ કર્યો હતો. જેમાં મારૂતિ સુઝુકી ગુજરાતમાં તેના ત્રીજા તબક્કાના પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા બમણી એટલે કે ૭.૫ લાખથી વધારીને ૧૫ લાખ કારની કરશે. આ ઉપરાંત નેધરલેન્ડના ભારત સ્થિત રાજદૂત માર્ટન વેન ડેન્ગ બર્ગે ગુજરાતમાં પોર્ટ લેન્ડ ડેવલપમેન્ટ તેમજ દહેજ પી.સી.પી.આઇ.આર.માં નેધરલેન્ડના ઉદ્યોગોના રોકાણ માટે ઉત્સુકતા દર્શાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ આગામી વાયબ્રન્ટમાં નેધરલેન્ડના હાઇપાવર ડેલિગેશન  સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું.