મેરાન્યૂઝ નેટવર્ક.બાયડઃ સમગ્ર રાજ્યમાં વિધાનસભાની છ પેટા ચૂંટણીનો જંગ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે શબ્દ યુદ્ધ શરૂ થઇ ગયું છે બાયડ વિધાનસભા પેટા ચૂંટણીનો જંગ પરાકાષ્ટએ પહોંચ્યો છે. ભાજપ બાયડ વિધાનસભા બેઠક પર જીત મેળવવા રાજ્યના તમામ દિગ્જ્જોને મેદાને ઉતારી દીધા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અરવલ્લી જિલ્લાના માલપુરમાં જનસભાને સંબોધી જેમાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી. (વીડિયો અહીં એહેવાલના અંતમાં દર્શાવાયો છે)

અવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે ત્યારે કોંગ્રેસના ગઢમાં ભાજપના દિગ્ગજ નેતાઓએ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાતે જ મોર્ચો સંભાળ્યો હતો અને કોંગ્રેસ પર વરસી પડ્યા હતો. તેમણે કોંગ્રેસની નાકામયાબીની વાત કરતા કહ્યું કે, દસ વર્ષના કોંગ્રેસના શાસનમાં આતંકી હુમલા થયા અને એક સો છોત્તેર લોકોના મોત થયા હતા અને અતિરેક ઉત્સાહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની જીભ લપસી ગઈ હતી  અને મનમોહનસિંઘની સરકારના બાયલાપણાના લીધે આતંકીઓની હિમ્મત વધવાની સાથે કાશ્મીરમાં ૪૧ હજાર લોકોના મૃત્યુ થયા જેમાં સેના અને પોલીસના જવાનો શહીદ થયા હોવાનું જણાવ્યું હતું.

સીએમ રૂપાણીએ આટલે ન અટકી સીધા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો, પીએમ મોદી રજા લીધા વિના કામ કરે છે અને રાહુલ ગાંધી ક્યાં જાય છે કોઇન ખબર નથી, માટે કોંગ્રેસના નેતાઓને શું કરવું અને ક્યાં જવું ખબર નથી પડતી.

ગઈકાલે રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી અંગે મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, હવે તો રામ મંદિર અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને તે સ્વપ્ન હવે સાકાર થશે, આડકતરી રીતે સીએમ વિજય રૂપાણીએ રામ મંદિર મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરતા પોતાની વાત લોકો સમક્ષ રજૂ કરી હતી. 

કોંગ્રેસના ગઢમાં ભાજપે આજે તમામ નેતાઓની ફોજ ઉતારીને કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવાની રણનીતિ બનાવી દીધી છે, તો બીજી બાજુ કોંગ્રેસ પણ તેના તમામ નેતાઓને મેદાને ઉતારી બાયડ વિધાનસભા સીટને ફરી કબજે કરવા કવાયત તેજ કરી છે.