મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં રાજકીય ક્ષેત્રમાં મોટી હીલચાલ જોવા મળી રહી છે. આજે ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓ આવ્યા હતા જેમાં કમલમ ખાતે બેઠકોનો દૌર ચાલ્યો આ પછી હવે મુખ્યમંત્રી વિજય રુપાણીએ રાજીનામું આપ્યાની જાહેરાત કરી છે. સત્તાવાર જાહેરાત તેમણે અમદાવાદમાં વૈષ્ણૌદેવી સર્કલ ખાતે આવેલા સરદાર ભવનના લોકાર્પણ પછી રાજભવન પહોંય્યાં હતા તે વખતે મીડિયાને જાણકારી આપી હતી.

વિજય રુપાણીના અચાનક રાજીનામાએ સહુને ચોંકાવી દીધા હતા. જોકે હવે આગામી મુખ્યમંત્રી કોણ હશે તે તરફ લોકોની મીટ મંડાઈ છે. તેમણે ભાજપ પક્ષનો આભાર માન્યો હતો. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ ગુજરાત આવ્યા પછી રાજ્યમાં ભાજપની હલચલ તેજ થઈ હતી. બેઠકમાં ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકાર, ભાજપ પ્રમુખ સીઆર પાટીલ અને અન્ય ચાર મહામંત્રી પણ હાજર હતા. બંધ બારણે થયેલી આ બેઠકમાં શું ચર્ચા થઈ તેની હાલ કોઈ સત્તાવાર માહિતી સામે આવી રહી નથી. જોકે હવે મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું છે તો નક્કી આ મામલે કોઈ મોટા નેતાના સલાહ સૂચનો હશે.

ગુરુવારે રાત્રે અચાનક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવી ગયા હતા. અહીં તેમણે પારિવારિક કામ હતું. જે પછી આજે સવારે તે પરત પણ જતા રહ્યા હતા. તેમણે અહીં જન્માષ્ટમી પણ ઉજવી હતી. જોકે અમિત શાહની ગુજરાત મુલાકાત અવારનવાર થતી રહી છે. હવે જોકે મુખ્ય પ્રશ્ન લોકો માટે એ છે કે મુખ્યમંત્રી પદ પર બીરાજમાન કોણ થશે.