પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.ગાંધીનગર): ગુજરાતના ગૃહવિભાગે કુલ સાત પોલીસ અધિકારીઓની બદલીના આદેશ કર્યા છે. જેમાં સૌથી મહત્વની બદલી રાજકોટ એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)ના ડીવાયએસપી એચ પી દોશીની બદલી બહુ મહત્વની છે. એચ પી દોશી જૈન હોવાની સાથે મુખ્યમંત્રી વિજય રુપાણીના અત્યંત નજીકના અધિકારીઓ પૈકીના એક ગણાતા હતા, પરંતુ દોશીએ સૌરાષ્ટ્રમાં વિજય રુપાણીના નામનો ભરપૂર ઉપયોગ કર્યો. જેની ફરિયાદ વિજય રુપાણી સુધી પહોંચતા તેમની બદલી સુરેન્દ્રનગર વિભાગીય પોલીસ અધિકારી તરીકે કરવામાં આવી છે. 

દરેક રાજનેતાઓના માનીતા પોલીસ અધિકારીઓ હોય છે, પરંતુ પોલીસ અધિકારીએ પોતાની પણ મર્યાદાઓ સમજવાની હોય છે. ડીવાયએસપી એસ પી દોશીએ વિજય રુપાણીની નજીક્તાનો ભરપૂર લાભ લીધો અને તેઓ એસીબીમાં હોવાને કારણે રાજ્ય સરકારના તમામ વિભાગના અધિકારીઓને ડરાવવાનું શરૂ કરી દીધું. એક તો દોશી એસીબીમાં હતા અને બીજું વિજય રુપાણીના ખાશ હતા. જેના કારણે દોશી જે પત્તું રમે તે હુકમનો જ એક્કો બની જતું હતું. વાત વિજય રુપાણી સુધી પહોંચી અને તેમને પોતાની થઈ રહેલી બદનામીનો અંદાજ આવ્યો અને હવે દોશીને રાજકોટ એસીબીમાંથી ખસેડી સુરેન્દ્રનગર મુકવામાં આવ્યા.

ગૃહવિભાગે કરેલી બદલીઓ અનુસાર જામનગરની કથળેલી સ્થિતિને નિયંત્રિત કરવા એસપી દીપેન ભદ્રનના હાથ મજબૂત કરવા આઈપીએસ નિતેષ પાંડેને એએસપી તરીકે જામનગર મુકવામાં આવ્યા છે. જામનગરના ડીવાયએસપી એ પી જાડેજાને રાજકોટ એસીબીમાં મુકવામાં આવ્યા છે. ડાંગના ડીવાયએસપી આર ડી કવાને ઉર્જા નિગમ વડોદરા ખાતે મુકવામાં આવ્યા છે. પી જી પટેલને ડાંગ એસસી એસટી સેલમાંથી ડાંગ હેડક્વાર્ટરમાં મુકવામાં આવ્યા છે. એમ આઈ પઠાણ એસસી એસટી સેલ મોરબીથી મોરબી હેડક્વાર્ટરમાં મુકવામાં આવ્યા છે જ્યારે અજમાયશી ડીવાયએસપી રીના રાઠવાને ભાવનગરથી ધોળકા મુકવામાં આવ્યા છે.