પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): રાજ્ય સરકાર સામે સો વાંધા હોય તો પણ રાજ્ય સરકાર મુશ્કેલીમાં મુકાય અને પ્રજા ભયગ્રસ્ત બને તેવા સંદેશાઓ સોશિયલ મીડિયામાં વહેતા થયા છે. તા. 11થી 17 એપ્રિલ દરમિયાન લોકડાઉન થયું છે તેવું ગૃહવિભાગના સચિવ પંકજ કુમારના નામે સોશિયલ મીડિયામાં વહેતા થયેલા સમાચાર એક અફવા છે ડરશો નહીં.

આપત્તીના કાળમાં અનેક હિસાબો સરભર થતાં હોય છે, પરંતુ હિસાબ સરભર કરવાનો પણ એક સમય હોય છે. કોવીડમાં જે પ્રકારે ગુજરાત સરકાર કામ કરી રહી છે તેમાં ચુક થવાની સંભાવના છે અને ચુક થાય છે પણ ખરી, પરંતુ આ બદલો લેવાનો સમય નથી. વિજય રુપાણી સામે સો વાંધા હોય તો પણ જે રીતે સોશિયલ મીડિયામાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારના નામે જે મેસેજ વહેતો થયો તે પ્રમાણે તા. 11થી 17 એપ્રિલ વચ્ચે રાજ્યમાં છ મહાનગરોમાં લોકડાઉન નાખવામાં આવ્યું છે, પરંતુ સરકારી સૂત્રોના કહેવા પ્રમાણે આ સમાચાર સદંતર ખોટા છે. ગુજરાત સરકારે લોકડાઉનની કોઈ જાહેરાત કે નિર્ણય કર્યો નથી. તેથી નિશ્ચિંત રહો અને પોતાને સાચવો. વ્યવસ્થામાં સરકારની ખામી હોવાના સ્વીકાર સાથે સરકાર ઘરે ઘરે કોઈને સાચવી શકે તેવી સ્થિતિ ક્યારેય પણ શક્ય નથી. કપરો સમય છે પોતે જ પોતાને સાચવવા પડશે.