મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ મુખ્યમંત્રી વિજય રુપાણીનો આજે જન્મદિવસ છે ત્યારે આજે રાજકોટ ખાતે તેઓ હાજર રહ્યા હતા જ્યાં તેમણે કોરોના મહામારીમાં માતા પિતાની છત્રછાયા ગુમાવનારા 79 બાળકો સાથે રૂપાણીએ ભોજન લીધું હતું. તેમણે આ અંગે સોશિયલ મીડિયા પર પણ પોતાનો અનુભવ શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું કે મારા જન્મ દિવસે મુખ્યમંત્રી બાલ સેવા યોજના હેઠળના લાભાર્થી બાળકો સાથે ભોજન લીધું હતું.

મુખ્યમંત્રી વિજય રુપાણી અને તેમના પત્ની અંજલી રુપાણી દ્વારા બાળકો સાથે ભોજન લેવાયું હતું. અનાથ બનેલા આવા બાળકોને વાર્ષિક રૂપિયા 50,000ની સહાય આપવાની જાહેરાત અગાઉ કરાનાર જે એમ ફાઈનાન્શિયલ ફાઉન્ડેશન સાથે સમાજ સુરક્ષા વિભાગના એમઓયુ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિધવા બનેલી બહેનોને પુનઃલગ્ન માટે 50,000 રૂપિયાની સહાયની જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે.

વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના 5 વર્ષની પૂર્ણતાના પ્રસંગે યોજાનાર રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમની છઠ્ઠી શ્રેણીનો મુખ્યમંત્રીએ પોતાની વર્ષગાંઠના દિવસે રાજકોટ ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. રૂપાણીએ જણાવ્યું હતું કે, નવ દિવસ સુધી યોજાનારા કાર્યક્રમો એ પાંચ વર્ષની ઉજવણી નથી. પરંતુ રાજ્ય સરકારે આદરેલો સેવાયજ્ઞ છે. જેમાં સરકારે શિક્ષણ, વહીવટી સુવિધા, અનાજ વિતરણ, ખેડૂતો, સખીમંડળો, આદિવાસીઓ વગેરેને સામેલ કર્યા છે. કોરોનાના કપરા કાળમાં પણ રાજ્ય સરકારે 16,000 કરોડના વિકાસકામો પ્રજાને અર્પણ કર્યા છે. સરકાર પોતાની ભૂમિકા સહૃદયતાથી નિભાવશે જ, તેવી હું ખાતરી આપું છું.

Advertisement


 

 

 

 

 

છત્રછાયા ગુમાવનાર પ્રત્યેક બાળકને જે. એમ. ફાઉન્ડેશન વાર્ષિક રૂપિયા 50 હજાર સુધીની શિક્ષણ ફી બાળકની શાળામાં સીધી જમા કરાવશે. મુખ્યમંત્રીએ રિમોટ કન્ટ્રોલથી મુખ્યમંત્રી બાલ સેવા અંતર્ગત ‘એક વાલી યોજના’ તથા ‘ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના’, ‘રાજકોટ મહાનગરપાલિકાના સિટીઝન પોર્ટલ’ અને પરિવહન સરળતા એપનો શુભારંભ કરાવ્યા હતો.