પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ) હમણાં મહારાષ્ટ્રમાં સત્તાનું ધમાસાણ ચાલી રહ્યું છે, ભાજપ અને શિવસેનાને યુતિને બહુમતી મળી હતી પરંતુ મુખ્યમંત્રી કોણ તે મુદ્દે વિવાદ ઊભો થતાં સત્તાની નજીક હોવા છતાં ભાજપ અને શિવસેના સરકાર બનાવી શકયા નહીં, હવે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યું છે મહારાષ્ટ્રમાં રાજકીય અનિશ્ચિતતાનો અંત ક્યારે આવશે તે સમય જ કહેશે પરંતુ મહારાષ્ટ્ર સહિતના ખાસ કરી દક્ષિણ ભારતીય રાજ્યોમાં જે બની રહ્યું છે તે ઘણુ સૂચક છે. મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતીય નેતાઓ પાસેથી આપણા ગુજરાતના મુખ્યમંત્રી સહિત તમામ પક્ષોના નેતાઓ થોડુંક શીખવાની જરૂર છે, માત્ર નેતાઓ જ નહીં પણ ગુજરાતી તરીકે પણ આપણે તે બાબત ધ્યાનમાં લઈ તે દિશામાં પ્રયાસ કરવા જોઈએ.

મહારાષ્ટ્રમાં સત્તાની સાંઠમારી ઊભી થતાં દેશભરના પત્રકારો મુંબઈમાં ઉતરી પડયા અનેક વિદેશ ચેનલના વિદેશી પત્રકારો પણ મુંબઈ આવી ગયા, કોણ સત્તા બનાવશે અને મહારાષ્ટ્રમાં શું થશે તેને લઈ પત્રકારો મહારાષ્ટ્રના શિવસેના-ભાજપ-કોંગ્રેસ અને એનસીપીના અનેક નેતાઓના ઈન્ટરવ્યૂ કરતા રહ્યું અને સમાંતર પ્રેસ કોન્ફરન્સ થતી રહી, પણ ખાસ બાબત એવી હતી કે, મહારાષ્ટ્રના તમામ નેતાઓ પત્રકારોને પોતાનો ઈન્ટરવ્યૂ અને પ્રેસ કોન્ફરન્સ મરાઠી ભાષામાં કરતા રહ્યા, મહારાષ્ટ્રના નેતાઓને અંગ્રેજી અથવા હિન્દી આવડતુ નથી તેવો પ્રશ્ન નથી તેઓ મરાઠીની જેમ ઉત્તમ અંગ્રેજી અને હિન્દી બોલી શકે છે. આમ છતાં તેમના માતૃ ભાષા તરફના પ્રેમને કારણે મહારાષ્ટના નેતાઓ ક્યારેય પ્રેસ કોન્ફરન્સ મરાઠી સિવાયની ભાષામાં કરતા નથી તેઓ બરાબર જાણે છે કે તેઓ મહારાષ્ટ્રના મરાઠી માણુસ માટે કામ કરે છે અને મરાઠી માણુસને જે ભાષા સમજાય તે ભાષામાં જ વાત કરે છે.

સારી બાબત એવી છે કે મરાઠી ભાષા માટેનો પ્રેમ મહારાષ્ટ્રના તમામ રાજકીય પક્ષોના નેતાઓ એક સરખી રીતે દાખવે છે. ખાસ કરી ગુજરાતમાં ગુજરાતી નેતાઓ સામે કઈ ચેનલ છે તેના આધારે પોતાની ભાષા નક્કી કરે છે, મોટા ભાગના આપણા ગુજરાતી નેતાની હિન્દી સારી નથી તેઓ બાવા હિન્દી બોલે છે છતાં નેશનલ ચેનલનું બુમ આગળ આવે એટલે તેઓ ગુજરાતી ભાષા છોડી ચેનલની ફરમાઈશ પ્રમાણે હિન્દીમાં ઈન્ટરવ્યૂ આપે છે. એક ગુજરાતી તરીકે આપણી ભાષા માટે આદર હોવો જોઈએ તે આદરનો આપણા નેતાઓમાં અભાવ દેખાય છે. કદાચ તે ચેનલની ફરમાઈશ પ્રમાણે હિન્દીમાં ઈન્ટરવ્યૂ આપનાર નેતાઓ તેવો બચાવ કરી શકે કે નેશનલ ચેનલના પત્રકારને ગુજરાતી આવડતું નથી અથવા તેમનો દર્શક ગુજરાતી નથી તો આ પ્રશ્ન આપણા નેતાનો હોવો જોઈએ નહીં તે પ્રશ્ન ચેનલ અને તેના પત્રકારનો હોવો જોઈએ. હિન્દી અથવા અંગ્રેજીમાં ના જ બોલવું જોઈએ તેવી જડતા પણ સારી નથી, પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતી હોવા છતાં હવે તેમણે પોતાની હિન્દીને સુધારી તેવો પ્રયાસ આપણા નેતાઓએ કરવો જોઈએ છતાં ગુજરાતીમાં વાત કરવાની બાબતને અગ્રતા આપવી જોઈએ.

મહારાષ્ટ્રમાં એનડીટીવી, આજતક અને ટાઈમ્સ નાઉ ચેનલને ઈન્ટરવ્યૂ આપનાર ફડણવીસ-પવાર અને ઉધ્ધવ જાણે છે કે આ ચેનલનો દર્શક મરાઠી નથી, તો પણ તેઓ આ પ્રકારની નેશનલ ચેનલને પણ મરાઠીમાં જ ઈન્ટરવ્યૂ આપે છે અને ચેનલો દ્વારા મરાઠીનું હિન્દી અથવા અંગ્રેજીમાં ભાષાતર થાય છે, આમ ખુદ નેતાઓ પોતાની માતૃ ભાષામાં વાત કરતા હોવાને કારણે રાજ્યોના લોકો પણ પોતાની ભાષાને પ્રેમ કરતા રહ્યા છે અને આદર આપતા રહ્યા છે. ગુજરાતના નેતાઓ મરાઠી નેતાઓ પાસેથી આ શીખવાની જરૂર છે કે આપણે આપણી ભાષામાં જ વાત કરીએ વાત માત્ર નેતાઓ પુરતી સિમિત નથી હવે આપણે ત્યાં બાળકોને અંગ્રેજી શાળામાં મોકલવાની ઘેલછા લાંબા સમયથી શરૂ થઈ છે, બાળકો અંગ્રેજી ભાષામાં ભણે તેની સામે વાંધો નથી પણ અમારા મુન્ના અને પીન્ટુને તો ગુજરાતી આવડતી જ નથી તેવું મા-બાપ જ્યારે ગૌરવથી કહે છે ત્યાં તેમાં ગૌરવ નહીં શરમ હોવી જોઈએ પણ તેવું થતું નથી.

અંગ્રેજી શાળામાં ભણતા બાળકોને લેડી ફીંગરને ભીંડા અને બ્રીંજલને રીંગણા કહેવાય એટલી સાદી ગુજરાતીની સમજ તો માતા પિતાએ આપવી જોઈએ. જો આપણે જ આપણી ભાષાને પ્રેમ કરીશું નહીં ભાષા મરી જશે મહારાષ્ટ્રની જેમ દક્ષિણ ભારતીય નેતાઓ પણ નેશનલ ચેનલ સાથે પોતાની પ્રાદેશીક ભાષામાં જ વાત કરે છે. ગુજરાતના બહુ મોટા હાસ્ય લેખક સ્વ. વિનોદ ભટ્ટે એક વખત પોતાની કોલમમાં લખ્યું હતું કે ગુજરાતીઓ પોતાના કુતરા સાથે પણ અંગ્રેજીમાં વાત કરે છે. ગુજરાતીઓ પોતાના પાળતુ કુતરાને સીટડાઉન, સ્ટેન્ડ અપ જેવા આદેશ અંગ્રેજીમાં આપે છે ગુજરાતીઓ માને છે કે કુતરાને અંગ્રેજી જ આવડે પણ જ્યારે બીન ગુજરાતી ઘરોમાં કુતરાઓ સાથે પોતાની ભાષામાં જ વાત થાય છે, ખરેખર તો કુતરાઓને વિશ્વની તમામ પ્રાદેશીક ભાષા આવડે છે તેની ગુજરાતીઓની ખબર નથી.