મુકુંદ પંડ્યા (મેરાન્યૂઝ.અમદાવાદ): તમને વિજય નહેરા એવું નામ યાદ છે? હા, એ જ વિજય નહેરા, અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કમિશનર. ગયા વર્ષે, કોરોનાની શરૂઆત થઈ ત્યારે અમદાવાદમાં એમણે સારી કામગીરી કરેલી. જોકે કેટલાક વાંકદેખા, લબાણ અધિકારીઓ અને કાચા કાનના રાજકારણીઓએ, તમે આંકડાઓ આપી ભય ફેલાવો છો તેવું વાહિયાત કારણ આપીને વિજય નહેરાને વિદાય કરવાની કામગીરી કરી હતી. એમણે, નહેરાએ તો કેસ વધવાની માતબર શક્યતા દર્શાવી હતી કે આ જ ગતિએ સંક્રમણ ચાલુ રહ્યું તો કેસનો આંકડો પાંચ આંકડાની સપાટી વટાવી શકે છે. માટે લોકો બેદરકારી છોડીને મહામારીનો સામનો કરવામાં સહકાર આપે. આ વાત ત્યારે જેમને પસંદ ના પડી એટલે એમણે નહેરાને પાડી દીધા.

ખેર, એ વાત તો જુની થઈ ગઈ. તો પછી નહેરાને અત્યારે યાદ કેમ કરવાના? તો સમજો કે નહેરાએ એ વખતે ઓછા કેસ હતા ત્યારે પણ આખા અમદાવાદમાં ઠેરઠેર સેનેટાઈઝેશનની વ્યવસ્થા કરી હતી. જે સ્થળો કેસના હોટસ્પોટ હતા તેમને અલગ પાડી દીધા હતા. એટલું જ નહીં તે વિસ્તારમાં રહેતા લોકોને આવશ્યક ચીજવસ્તુઓ- દૂધ, શાકભાજી, દવાઓ મળી રહે તેવી ગોઠવણ કરેલી. બ્લોક કરી દીધેલા વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારોને રેશન પુરવઠો મળે તેવી ય વ્યવસ્થા કરેલી. પોતાને નિર્ણાયક બનાવીને આકરા પગલાં ભરેલા. રોજેરોજ, પરિસ્થિતિ વિશે નાગરિકોને માહિતી આપતા.


 

 

 

 

 

આજે, સ્થિતિ એવી છે કે, ગુજરાત હાઈકોર્ટે પણ સુનામી જેવો આકરો શબ્દ પ્રયોગ કરવો પડ્યો છે. કેસ બેફામ વધી રહ્યા છે અને આજે જ આવેલ એક અખબારી અહેવાલ મુજબ સ્થિતિ વધુ જીવલેણ બને તેવી શક્યતા છે. છેલ્લા એક વર્ષથી જે રીતે અધિકારીઓ અમદાવાદના કર્તાહર્તા તરીકે એક હથ્થુ રીતે વર્તી રહ્યા છે તે માત્ર ગાંધીનગરમાં બેસી, આંકડાઓ તણી માયાજાળ રચી રહ્યા છે. રાજકીય હાકેમોને સાચવી રહ્યા છે. આજે અમદાવાદમાં, આગળ ઉલ્લેખય કર્યો તેવી પોઝિટિવ કામગીરી થતી નથી. હા, આ કે તે એવા પ્રતિબંધ મુકવાની વાત જરૂર થાય છે. અમદાવાદના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો સક્રિય રીતે નિષ્ક્રિય સાબિત થઈ રહ્યા છે અને સરકારે નીમેલા સનદી અધિકારી પણ ગાંધિનગર તરફ આંખો તાકીને બેસી રહેલા વર્તાય છે. મ્યુનિ. કમિશનર ધારે તો નિર્ણાયક પગલા લઈ લોકો પોતાની તરફ, પરિસ્થિતિ હળવી કરવા વાળી શકે છે. કમનસીબે, એમ થયું નથી. નહેરાને પગલે ના ચાલો એ માની લીધું, તમારા પોતાના મનથી તો પગલા લઈ શકો છો.

મજાની વાત એ છે કે, સંક્રમણ વધી જશે એવી શક્યતા દર્શાવવાની ભૂલ કરીને નહેરા સજા ભોગવી રહ્યા છે પણ સંક્રમણ ખરેખર સુનામી બની ગયું છે. તો ય નહેરાને દૂર કરવામાં સામેલ રાજકીય હાકેમો અને એ જ અધિકારીઓ હજી આંકડાઓના જોરે પોતાના દેશના શ્રેષ્ઠ વહીવટકારો તરીકે ઓળખાવવા મથી રહ્યા છે. ગુજરાત ગંભીર સ્થિતિમાં મુકાઈ રહ્યું છે એનો દોષ લોકો પર વાધારે ઢોળી રહ્યા છે. આ એવા વહીવટકારો છે જે અખબારો મડિયામાં રિપોર્ટ આવે પછી, અદાલત ઉધડો લે પછી જ નિર્ણયો લે છે અને પછી જાતે જ પોતાની પીઠ પણ થાબડે છે. કોઈ સવાલ પૂછાય તો મને ખબર નથી... ફલાણાને પુછો એમ કહી ઉત્તમમાંથી સર્વોત્તમ બનવાની મુરાદ સેવે છે.