જયેશ શાહ (મેરાન્યૂઝ. કચ્છ): ગુજરાતમાં કોરોનાને કારણે કોહરામ મચી ગયો છે. રાજ્યનો સૌથી મોટો સરહદી જિલ્લો કચ્છ પણ તેમાંથી બાકાત નથી. દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહ્યા છે. ત્યારે કચ્છની સ્થિતિથી વાકેફ થવા માટે રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતી કાલે ટાસ્ક ફોર્સના સભ્યો અને મંત્રીઓ સાથે કચ્છની ઊડતી મુલાકાતે આવી રહ્યા છે. ગાંધીનગરથી જામનગર થઈ તેઓ કચ્છ આવશે. કોરોનાથી બચવા માટે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ સહિત લોકો પોતાને ઘરે રહે અને બહાર ન નિકળે તે માટે વડાપ્રધાન મોદીથી લઈને ખુદ સીએમ વિજયભાઈ રૂપાણી પણ અવારનવાર અપીલ કરી ચુક્યા છે. તેવામાં સોસીયલ મીડિયા કે વર્ચ્યુઅલ મિટિંગને બદલે રૂબરૂ કચ્છ આવી રહેલા સીએમનાં કાફલાને પગલે કોરોનાના દર્દીઓની સાર સંભાળ લઈ રહેલું તંત્ર સરકારની સરભરામાં પરોવાઈ જશે. 

મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ કયાંય પણ ગમે ત્યારે જઈ શકે છે. વળી તેઓ અતિ સંવેદનશીલ છે એટલે લોકોની સમસ્યાને પળવારમાં પારખી પણ લે છે. પરંતુ જે રીતે કોરોનાની બીજી લહેર ખતરનાક રીતે પ્રસરી છે ત્યારે રાજ્યનાં વડાનું આ રીતે બહાર નીકળવું જોખમી સાબિત થઈ શકે છે. આપણાં ઘરમાં જો મોભીને કોરોનાની અસર થાય કે કોઈ ગંભીર બીમારીમાં સપડાય તો આખું કુટુંબ ચિંતામાં પડી જાય છે. વિજયભાઈ તો આખા રાજ્યનાં મોભી, આધાર સ્તંભ છે. થોડા સમય પહેલા વિજયભાઈ સભામાં અચાનક પડી ગયા હતા ત્યારે તેમનાં પરિવાર સહિત સમગ્ર ગુજરાતમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું. લોકોને કોરોનાથી લડવા માટે સીએમ વિજયભાઈ આટલા ચિંતાતુર છે ત્યારે તેઓ પોતાના સ્વાસ્થ્ય અંગે અચૂક જાગૃત હશે જ. એટલે ચિંતા થવી સ્વાભાવિક છે કે, ગાંધીનગર છોડીને તેઓ જામનગર અને કચ્છ આવશે. 


 

 

 

 

 

પોતાની મુલાકાત વેળાએ કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન કરવામાં આવશે તેનો અંદેશ કચ્છનાં તંત્રની સૂચનાથી આવી જાય છે. પરંતુ જયારે રાજ્યનાં વડા જિલ્લામાં આવતા હોય ત્યારે કલેક્ટરથી માંડીને કારકુન કક્ષાએ તડામાર તૈયારીઓ થતી હોય તે પણ એટલું જ સ્વાભાવિક છે. જેને પગલે ટાંચા સાધનો અને સ્ટાફની અછત વચ્ચે (આવું નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ કહી  ચુક્યા છે !) જામનગર અને કચ્છનું તંત્ર અત્યારથી જ તૈયારીઓમાં પરોવાઈ ગયું છે. એટલે સ્વાભાવિક રીતે મનમાં પ્રશ્ન થાય કે, સંતો મહંતો, તબીબો, નગરપાલિકાઓના પ્રમુખ વગેરે વિડિઓ કોન્ફરન્સથી સંબોધીને માર્ગદર્શન આપી શકતા પ્રજાવત્સલ સંવેદનશીલ મુખ્યમંત્રી કચ્છ અને જામનગરના તંત્ર સાથે વર્ચ્યુઅલ મિટિંગ ન કરી શકે ? અમને લોકોની સાથે સાથે વિજયભાઈ તમારી પણ ચિંતા છે. ધારાસભ્યો અને મંત્રીઓ સહિત અનેક મોટા લોકો કોરોના વાઇરસને કારણે સંક્રમિત થઈ ચૂક્યા છે. ત્યારે તમારા પરિવારની સાથે સાથે સમગ્ર રાજ્ય આપની તબિયતને લઈને હંમેશા ચિંતિત હોય છે. તેવામાં આપનું આ રીતે ગાંધીનગર છોડી ગુજરાતમાં ફરવું આપની તબિયત માટે જોખમી છે. આપ સંવેદનશીલ અને સમજુ વ્યક્તિ છો. એટલે થોડામાં ઘણું માનીને કોરોનાનું સંક્રમણ હળવું થાય ત્યારે સહ પરિવાર કચ્છ ભ્રમણે આવવા માટે સૌ કચ્છી માડુંઓ વતી અત્યારથી આપને સપ્રેમ આગ્રહભર્યું આમંત્રણ છે.