મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: જામનગરમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા પર પોલીસ કોન્સ્ટેબલે નજીવી બાબતે હુમલો કર્યો હતો. બોલાચાલી બાદ પોલીસ કોન્સ્ટેબલે રિવાબાના વાળ ખેંચીને માર માર્યો હતો. આ બનાવ અંગે રિવાબાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસકર્મી સંજય કરંગીયાની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ રીવાબા  રાજકોટ આવી ગયા હતા. રિવાબાના માતા પ્રફુલાબાએ મિડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી-ગૃહમંત્રી કાર્યાલયમાંથી પણ ફોન આવી ગયો, પોલીસની કાર્યવાહીથી સંતુષ્ટ છીએ.

પ્રફુલબાએ વધુમાં જણાવ્યું હતું કે, વહેલી સવારે 5 વાગ્યે જ અમે જામનગરથી રાજકોટ આવી ગયા હતા. ગઇકાલની ઘટના બાદ પુત્રી  રીવાબા વ્યથિત હોઈ આખી રાતનો ઉજાગરો કર્યો હતો. જેને લઈને હાલ તેણી આરામ કરી રહી છે. જો કે તંત્ર દ્વારા આ મામલે પૂરતો સપોર્ટ આપવામાં આવ્યો છે. અમને, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કાર્યાલયમાંથી પણ ફોન આવી ગયો હતો. તેઓએ રીવાબા અને તેના પપ્પા સાથે વાત કરીને જવાબદાર પોલીસ કર્મી વિરૂધ્ધ કડક પગલા લેવાની તેમજ તેને નોકરીમાંથી બરતરફ કરવાની વાત પણ કરી હતી.