મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરના ટ્રાફિકથી ધમધમતા એવા રેસકોર્સ રિંગરોડ ઉપર કિસાનપરા ચોકમાં મોડીરાત્રે જાહેરમાં એક યુવતીને વાળ પકડીને ગાળો આપતા લઈ જતા યુવકનો વિડીયો વાયરલ થયો છે. જેને લઈને મહિલા સુરક્ષાની સરકારી વાતો સામે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે પોલીસનાં જણાવ્યા મુજબ કોઈ ફરિયાદ ન નોંધાઇ હોવા છતાં વિડીયો વાયરલ થતા જ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રેસકોર્સ રિંગરોડ પર કિશન પરા ચોક પાસે પીળા કલરનું ટી-શર્ટ અને બ્લેક કલરનું જીન્સ પહેરીને એક યુવતી ઉભી હતી. દરમિયાન જીજે3 જે એચ  9500 નંબરનું બાઈક લઈને આવેલા કાળા કલરનું પેન્ટ અને કાળા કલરનો શર્ટ પહેરેલો દાઢીવાળો શખ્સ આવ્યો હતો. તેમજ તેણીને કોઈપણ જાતની દયા વગર કિસાનપરા ચોકથી વાળ પકડીને લઈ જતો સ્પષ્ટ જોઈ શકાય છે.

ઘટનાને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા જતા જ આ યુવક હોન્ડા ઉપર બેસાડી યુવતીને જબરદસ્તી ઉઠાવી ગયો હતો. જો કે હાજર રહેલા કોઈએ તેને રોકવાની હિંમત કરી નહોતી. ત્યારે આ સમગ્ર મામલે જો સીસીટીવી ફૂટેજ જ તપાસવામાં આવે તો સત્ય હકીકત બહાર આવી શકે છે. પ્રદ્યુમ્નનગર પોલીસ મથકના પીઆઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આ અંગે હજુસુધી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. છતાં પણ વિડીયોનાં આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. તેમજ આરોપીની ઓળખ થતા તેને ઝડપી પાડવામાં આવશે.