મેરાન્યૂઝ નેટવર્ક.થરાદઃ ઉત્તર ગુજરાતના ખેતરોમાં તીડના આતંકના કારણે ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. પાકને થઈ રહેલા નુકસાનને બચાવવા શિક્ષકોના ઉપયોગને લઈને વિવાદ ઊભો થવા પામ્યો હતો, પરંતુ આખરે વિજય રુપાણીએ તીડ ઉડાડવા માટે પોતાના જ ધારાસભ્યોને સૂચના આપતા ભાજપના પ્રદેશ પ્રમુખ અને ભાજપના કાર્યકરો થાળી વઘાડી પ્રતિકાત્મક તીડ ઉડાડ્યા હતા. જોકે આ વીડિયો જોઈ જીતુ વાઘાણીના વખાણ કરવા કે હસવું તે લોકોને સમજાઈ રહ્યું નથી. આમ છતાં આ તબક્કે તેમના આ નાનકડા પ્રયાસને બિરદાવવો રહ્યો. (વીડિયો અંતમાં દર્શાવ્યો છે)

ઊભા પાક પર તીડના આક્રમણને કારણે પાકનો નાશ થતો અટકાવવા કઈ રીતે તીડથી બચી શકાય તેના માટે શિક્ષકોનો ઉપયોગ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. વસ્તી ગણતરી, મતદાન, મેલેરિયા અને વૃક્ષ ગણતરી જેવા કામોમાં જોતરાયેલા રહેતા શિક્ષકો ભણાવશે ક્યારે તેવા પ્રશ્નો ઊભા થતાં આખરે પરિપત્રમાં સુધારો કરવામાં આવ્યો હતો.

આજે બુધવારના રોજ ઉત્તર ગુજરાતના પ્રવાસે ગયેલા ભાજપના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી એક સરકારી સમારંભ પુરો કરીને તીડ ઉડાડવા પહોંચી ગયા હતા. કારણ કે ત્યારે ત્યાં ટેલીવીઝનના કેમેરામેન પણ હાજર હતા. પાટીદાર અનામત આંદોલન વખતે જે રીતે થાળી વગાડી સરકારનો વિરોધ કરાતો હતો. તેવી જ રીતે જીતુ વાઘાણી અને ભાજપના કાર્યકરોએ અહીં પાક વગરના ખુલ્લા ખેતરમાં થાળીઓ વગાડી તીડ ઉડાડ્યા હતા. આમ પાક વગરના ખેતરમાં તીડ ઉડાડવાનો અર્થ શું? તે લોકોને સમજાતું નથી આમ છતાં તેમણે ઉદાહરણિય કામ કર્યું છે. જો આ જ પ્રકારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્વયંભૂ પ્રજાની સમસ્યા નિવારવા જાતે કામ ઉપાડી લે તો ઘણી સમસ્યાઓનો અંત આવે. અત્રે ઉલ્લેખનીય છે કે. 1994માં તીડના આક્રમણને ટાળવા ગુજરાત સરકારે ખુબ નીચી ઊંચાઈએ હેલિકોપ્ટર ઉડાડી તીડો ભગાડ્યા હતા. જે તે સમયે તે પ્રયાસ સફળ રહ્યો હતો. હજી સુધી રાજ્ય સરકાર દ્વારા આવો પ્રયાસ થયો નથી.