મેરાન્યૂઝ નેટવર્ક.ઊનાઃ ગત તારીખ 17 મે ના રોજ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારના ગામોમાં તાઉતે વાવાઝોડાએ ભારે નુકસાન કર્યું છે ત્યારે બંદરો પર મજૂરી કરતા માછીમારોના પરિવારો બરબાદ થઈ ગયા છે. જેથી સરકારી તંત્ર સબ સલામતના દાવાઓ કરી રહ્યું છે. સૈયદ રાજપરાના ધારાબંદર વિસ્તારના લોકોના વાવાઝોડામાં છાપરા ઉડી ગયા છે અને ટૂંક સમયમાં ચોમાસાનું આગમન થવાની તૈયારી છે ત્યારે અહીં વસવાટ કરતા લોકોની વીજળી અને પાણી ની વ્યવસ્થા પણ નથી.

ધારાબંદર વિસ્તારમાં અનેક મજૂરી કરનાર માછીમારો પરિવાર સાથે આવી આ વિસ્તારમાં ઝુંપડા બાંધી મજૂરી કરી ગુજરાન ચલાવે છે. આવા પરિવારોએ તૌક્તે વાવાઝોડાને કારણે સ્થળાંતર કર્યું અને તેમના માલ સામાનને ભારે નુક્સાન થયું છે. વાવાઝોડાના અનેક દિવસો વીતવા છતાં બંદર પર વસતા પરિવારોને રહેવા આશરો મળ્યો નથી.

ખુલ્લા કાંઠા વિસ્તારમાં ગરમી મરછરો અને જંગલી જાનવરોના ભય વચ્ચે નાના પરિવારો અને ભૂલકાઓ પરેશાની વેઠી રહ્યા છે. આ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યાઓ છે. રાત્રિના સમયે માતાઓ બહેનો અને વૃદ્ધોને જીવન જીવવું દયાજનક બની ગયું છે. હાલ વાવાઝોડાને કારણે બોટોને પણ નુકસાની થઇ છે. માછીમારોના ધંધા છીનવાતા લાચાર બની ગયા છે.

ધારા બંદર વિસ્તારમાં વસતા મજૂરો અને બોટ માલિકોના પાસે સૈયદ રાજપરા ગામનાં આધાર પુરાવા ન હોવાથી સહાય મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સૈયદ રાજપરા ગામમાં સરકારી તંત્ર દ્વારા પાણીનું વિતરણ દિવસના માત્ર બે જ પાણીના ટાંકા દ્વારા કરવામાં આવે છે. જેથી ઘણા ઘરો પાણીથી વંચિત રહે છે માટે કાયમી ધોરણે ગામમાં નળ કનેકશન આપી પાણીની સમસ્યા દૂર કરવામાં આવે અને સ્થળાંતરિત કરેલા લોકો માટે સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે.

(તસવીર-વીડિયો-અહેવાલઃ સહાભાર, ધર્મેશ જેઠવા, ઊના)