મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ ક્રાઈમની દૂનિયામાં જેલને સાસરિયું કહે છે, જોકે આ સાસરિયામાં આવતા ગુનેગારોને ખરેખર જમાઈ સમજી લેનારા પણ પડયા છે અને તેવા પોલીસ કર્મચારીઓ તે આરોપીઓને જાણે પોતાના જમાઈ ઘરે આવ્યા હોય તેવી સુવિધાઓ આપતા હોય છે. આવું જ કાંઈક જામનગર એલસીબીમાં બન્યું જેના કારણે આખા ડીપાર્ટમેન્ટ પર થૂં થૂં થવા લાગી. એલસીબીમાં હત્યાના આરોપીઓને એસી રૂમમાં સુવડાવ્યાનો એક વીડિયો વાયરલ થયો જેના કારણે આઈજી સંદિપસિંહ લાલઘૂમ થઈ ગયા હતા. તેમણે આ ઘટનામાં એક પીએસઆઈને સસ્પેન્ડ કર્યા છે જોકે હજું બેથી ત્રણે જેટલા બીજા પોલીસ કર્મચારીઓ પર લટકતી તલવાર હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આવો જાણીએ સમગ્ર બાબત અંગે.

જામનગર એલસીબી પોલીસ દફતરમાં ગંભીર ગુનાનાં ખુખાર આરોપીઓને દફતરમાં આપવામાં આવેલી વીઆઈપી સુવિધાઓનો વીડિયો વાયરલ થયા બાદ આઈજીએ બેદરકાર આઈઓ પીએસઆઈ કે કે ગોહિલને સસ્પેન્ડ કરી દીધા છે. આઈજીના કડક પગલા બાદ ઇન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા છે. આરઆર સેલ પોલીસે અને જામનગર એલસીબીએ સંયુક્ત ઓપરેશન પાર પાડી સાડા છ માસ પૂર્વે ધ્રોલમાં થયેલી હત્યા પ્રકરણના બે આરોપીઓને પકડી પાડ્યા હતા.


 

 

 

 

પકડાયેલા આરોપીઓને જામનગર લઇ આવી બંને આરોપીઓ ઓમદેવસિંહ અને નરેન્દ્રસિંહ જાડેજાને એલસીબીની ટીમે બે દિવસના રિમાન્ડ પર લીધા હતા. પ્રથમ દિવસથી જ આરોપીઓને લોકઅપમાં નહીં પણ બહાર રાખવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી હતી. આ આક્ષેપ વચ્ચે ગઈકાલે બપોર બાદ એલસીબી દફતરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં રાતના સમયે બંને આરોપીઓ લોકઅપને બદલે દફતરના એસી રૂમમાં આરામથી નીચે ઓશિકાવાળી પથારીમાં આરામથી સુતેલા નજરે પડી રહ્યા છે. ગંભીર ગુનાના આરોપીઓ હાલ રિમાન્ડ પર છે, અને તેમની કેવી રિમાન્ડ ચાલી રહી છે એ દર્શાવતો વીડિયો વાયરલ થયા પછી ઉચ્ચ અધિકારઓ એક્શન મોડમાં આવી ગયા હતા.

આ વીડિયોને દબાવવાના પ્રયાસ થયા હતા પરંતુ તેમાં સફળતા મળી ન્હોતી. અંતે આ વીડિયો રેંજ આઈજી સંદિપ સિંહ પાસે પહોંચી જતા તેઓ ઉકળી ઉઠ્યા હતા અને વીડિયોને કારણે પોલીસની પ્રતિષ્ઠા પર ઉઠી રહેલા સવાલોને લઈને આઈજીએ તપાસ કરી રહેલા એલસીબીના પીએસઆઈ કે કે ગોહિલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. જેને લઈને સમગ્ર સ્ટાફમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ પીએસઆઈ તો આ પ્રથમ વ્યક્તિ છે. આરોપીઓને સવલત આપવામાં સાચી ભૂમિકા ભજવનાર પોલીસકર્મીઓ સામે પગલા ક્યારે ભરાશે. આ પ્રકરણની ગંભીરતાને ધ્યાને રાખી આઈજીએ ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ સોપી તાત્કાલિક રિપોર્ટ કરવા સૂચના આપી છે. જો આ પ્રકરણની તટસ્થ તપાસ થાય તો હજુ બે ત્રણ પોલીસકર્મીઓ ચોક્કસ ઘર ભેગા થશે જ એમાં શંકા નથી જેને કારણે અન્ય પોલીસ સ્ટાફ સામે પણ લટકતી તલવાર છે. આઈજીના કડક પગલાને લઈને એલસીબીમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આઈજીએ જીલ્લા પોલીસવડાને તાત્કાલિક આ પ્રકરણના તપાસના આદેશ કર્યા છે.