જયંત દાફડા (મેરાન્યૂઝ.અમરેલી): પોલીસ પોતાનું કામ જ્યારે પણ ધગશથી કરે છે ત્યારે મોટા ગુંડાઓની પણ શાન ઠેકાણે આવી ગઈ છે. થોડા દિવસ પહેલા અમરેલીનો બાપ બનવા નિકળેલા છત્રપાલને પોલીસની કડકાઈનો અનુભવ સારી રીતે થઈ ગયો અને લોકોને ડરાવીને ખંડણી માગનાર આ છત્રપાલને બાપ અને બચ્ચાનો ફરક સમજાઈ ગયો હતો. અમરેલી પોલીસે તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.

અમરેલીના ગુરુદત પેટ્રોલપંપના માલિક પાસેથી ખંડણી માગનાર છત્રપાલસિંહ વાળાની ધરપકડ થઈ ગઈ છે. થોડા દિવસ અગાઉ સોશિયલ મિડયા પર ખંડણી માગનારની  ઓડિયો કલ્પિ વાયરલ થઈ હતી. ખંડણીની ધમકી સાથે આ શખ્સે અમરેલીના SPને પણ પડકાર ફેંક્યો હતો.

છત્રપાલસિંહ વાળાએ પેટ્રોલ પંપના માલિકને ફોન કરીને ધમકી આપી હતી. પોતે અમરેલીનો બાપ છે અને પૈસા નહીં આપે તો ફાયરિંગ કરીશ તેવી ધમકી આપી પેટ્રોલ પમ્પ સંચાલક પાસેથી રૂપિયા 10 લાખની માંગણી કરી હતી. સિક્યુરિટી જોઈતી હોય તો રૂ. 10 લાખ આપીદે. અમરેલીના એસપી નિર્લિપ્ત રાય આખી જિંદગી નહીં હોય. 16 ગુના છે, નિર્લિપ્તભાઇ સામે 17મો ગુનો કરીશ તો ધોકા જ મારશે અને બીજા દિવસે છૂટી જઇશ હવે પછી પેટ્રોલ પમ્પેથી નીકળવામાં ધ્યાન રાખજે બાકી ફાયરિંગ કરીશ. તું જો હવે ભડાકા ન કરાવું તો કેજે' તેવું કહ્યું હતું. પેટ્રોલ પંપના માલિકએ સમગ્ર ઘટના વિષે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

Advertisement


 

 

 

 

 

ફરિયાદના આધારે છત્રપાલ ચંદ્રકિશોરભાઈ વાળાને ગોંડલથી મોવિયા તરફ જવાના રસ્તેથી એલ.સી.બી ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. ફરિયાદ નોંધાયાના 48 કલાકમાં LCB ટીમ દ્વારા આરોપી છત્રપાલસિંહ વાળાની ધરપકડ કરવામાં આવી છે. છત્રપાલ પર આમેરલીમાં જુદી - જુદી કલમો હેઠળ અનેક ગુનાઓ નોંધાયા છે. 

અમરેલી પોલીસએ છત્રપાલ વાળાનું ભરબજારમાં સરઘસ કાઢીને અમરેલીનો બાપ હોવાનું ભૂત ઉતારી દીધું હતું. મોટી સંખ્યામાં પોલીસકર્મી સાથે સરઘસ કાઢી લોકો સુધી એક સંદેશો પોંહચાડ્યો છે ગમે એટલો મોટો ગુંડો હોય પરંતુ પોલીસથી ક્યારેય બચી શકતો નથી.