મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: બોલીવુડના અભિનેતા કાદર ખાનનું 81 વર્ષની ઉંમરે કેનેડામાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેમને થોડા દિવસ પહેલા શ્વાસ લેવાની સમસ્યાના કારણે દાખલ કરવામાં આવ્યા હતા. કાદર ખાને છેલ્લી ફિલ્મ વર્ષ 2015માં ‘દિમાગ કા દહીં’ માં અભિનય કર્યો હતો.

કાદર ખાનના પુત્ર સરફરાજે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મારા પિતા અમને છોડીને સદા માટે ચાલ્ય ગયા છે. તેમણે કેનેડાના સ્થાનિક સમય પ્રમાણે 31 ડિસેમ્બર સાંજે 6 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર પણ કેનેડામાં જ કરવામાં આવશે. અમારા પરિવારના બધા સભ્યો કેનેડામાં રહે છે તેથી કેનેડામાં જ અંતિમસંસ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાદર ખાનને પ્રોગેસિવ સુપ્રાન્યૂક્લીયર પાલ્સી ડિસઓર્ડર હતો જેના કારણે તેમના મગજે કામ કરવાનું બંધ કરી દીધુ હતું.

કાદર ખાનનો જન્મ 22 ઓક્ટોબર 1937ના રોજ અફઘાનિસ્તાનનાં કાબુલ ખાતે થયો હતો. તેમણે વર્ષ 1973માં ‘દાગ’ ફિલ્મથી બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું. આ ફિલ્મમાં રાજેશ ખન્ના મુખ્ય ભૂમિકામાં હતા. આ પહેલા તેઓ રણધીર કપૂર અને જયા બચ્ચન અભિનિત ફિલ્મ ‘જવાની-દવાની’ માટે ડાયલોગ્સ લખી ચુક્યા હતા. એક પટકથા લેખકના રૂપમાં કાદર ખાને મનમોહન દેસાઇ અને પ્રકાશ મેહરા સાથે ઘણી ફિલ્મો લખી હતી.

એક્ટર કાદર ખાને મોહનમોહન દેસાઇ સાથે મનીલેન ‘ધર્મ વીર’, ‘ગંગા જમુના સરસ્વતી’, ‘કુલી’, ‘દેશપ્રેમી’, ‘સુહાગ’, ‘અમર અકબર એંથની’, અને પ્રકાશ મેહરા સાથે ‘જ્વાલામુખી’, ‘શરાબી’, ‘લાવારીસ’, અને ‘મુકદ્દર કા સિકંદર’ જેવી ફિલ્મો લખી હતી. કાદર ખાને ‘કુલી નંબર-1’, ‘મે ખિલાડી તુ અનાડી’, ‘કર્મા’, ‘સલ્તનત’ જેવી ફિલ્મોના સંવાદ લખ્યા હતાં. કાદર ખાને લગભગ 300 ફિલ્મોમાં અભિયન કર્યો તથા 250થી વધુ ફિલ્મોમાં સંવાદ લખ્યા હતા.