મેરાન્યૂઝ નેટવર્ક.વેરાવળઃ વેરાવળ ખાતે રેલવે સ્ટેશનમાં જ એક ગરીબ ભિક્ષુક મહિલાને પ્રસુતીની પીડા થતાં તેની પ્રસુતી ૧૦૮ના ઈએમટી દ્વારા સ્થળ પર જ કરાવાઈ છે અને આ દરમિયાન મહિલાએ એક પુત્રને જન્મ આપ્યો છે.

જાણવા મળતી માહિતી મુજબ રેલ્વે સ્ટેશનમાં વ્હેલી સવારે મુંબઇથી આવતી ટ્રેનમાં જૂનાગઢથી ભિક્ષાવૃત્તિ માટે વેરાવળ આવેલી મહીલા જાનકીબેન અમરભાઇને અચાનક પ્રસૃતીની પીડા ઉપડતા સ્ટેશન ઉપર ઉતરતી અન્ય મહિલા પ્રવાસીઓની નજર પડી હતી. જેને પગલે તેમણે સ્ટેશન માસ્તરનો સંપર્ક કરતા આર.જે.પ્રસાદ દ્વાર ઇમરજન્સી સેવા ૧૦૮ ને જાણ કરી હતી.

વેરાવળ ૧૦૮ ના ઇ.એમ.ટી. ગોવિંદા ભગત તેમજ ભરત મેઘનાથી તાત્કાલીક સ્થળ ઉપર પહોંચ્યા પરંતુ એમ્બ્યૂલન્સ રેલ્વે સ્ટેશનની અંદર પહોંચી શકે તેમ ન હોય અને જાનકીબેનની પીડા વધી જતા સ્ટેશનમાં જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી.

૧૦૮ ના સ્ટાફ દ્વારા સમય સૂચકતા વાપરી આજુબાજુના પ્રવાસી બહેનોને બોલાવી માતા તથા બાળકની સલામતી માટે સાડી દ્વારા ફરતો ધેરાવ કરી સ્ટેશન ઉપર પ્રસુતિ કરાવી હતી. દરમિયાન પુત્રનો જન્મ થયો હતો અને માતા-પુત્રની તબિયત સારી ન જણાતા જરૂરી સારવાર ૧૦૮ સેન્ટરના મેડીકલ ઓફિસરનો સંપર્ક કરી સ્થળ ઉપર જ જરૂરી સારવાર આપી પરંતુ બાળકનો જન્મ અધુરા મહિને થયો હોવાથી તેને ઓકસીજન સાથે કૃત્રિમ શ્વાસો શ્વાસ આપવાની જરૂર જણાતા સ્થળ ઉપરથી સ્ટ્રચેર દ્વારા એમ્બ્યુલન્સમાં લઇ જઇ કૃત્રિમ શ્વાસો શ્વાસની પ્રક્રિયા ચાલુ કરાવી હતી. વેરાવળ સિવિલ હોસ્પિટલમાં લઇ જતા તબીબ દ્વારા બાળક ભયમુક્ત હોવાનું જણાવ્યું તેમજ ૧૦૮ની કામગીરીને બીરદાવી તેમજ સંસ્થાના અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રે પણ ૧૦૮ના ઈએમટીની કામગીરીને બિરદાવી હતી.