રવિ ખખ્ખર (મેરાન્યૂઝ.વેરાવળ): વેરાવળમાં ડો.આશિષ રામાવત એ ત્રણ વર્ષ પૂર્વે ટ્રોમા સેન્‍ટર ખોલી ગાંઘીનગરના વ્‍યકિત પાસેથી રૂા.૧પ લાખ લઇ ભાગીદાર બનાવ્યા ત્‍યારબાદ ગાંઘીનગરના વ્‍યકિતની જાણ બહાર ખોટી સહીઓ કરી ટ્રોમા સેન્‍ટરની મશીનરી બારોબાર વેચી મારી છેતરપીડી કરી હતી. આ અંગે ડો.આશીષ રામાવત, તેમના પત્ની અને તબીબના ભાઇ ઉપરાંત સુરત અને વડોદરાના એક-એક શખ્‍સ મળી કુલ પાંચ વ્‍યકિતઓ સામે ગાંઘીનગરના વ્‍યકિત એ ફરિયાદ નોંઘાવતા પોલીસે છેતરપીંડી, ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો નોંઘી તપાસ હાથ ઘરી છે. 

વેરાવળ શહેરમાં છાશવારે વિવાદોમાં આવતા તબીબ સામે વઘુ એક ષડયંત્ર રચી છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંઘાતા ચકચાર મચી છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્‍ત વિગતો અનુસાર વેરાવળમાં સોમનાથ સીટી સ્‍કેન એન્‍ડ ટ્રોમા સેન્‍ટર નામની હોસ્‍પિટલ પેઢી શરૂ કરવા ભાગીદારી પેઢી બનાવી હતી. જેમાં ગાંઘીનગરના પુંજાભાઇ એ રૂા.૧પ લાખ, રામ મોહનદાસ રામચંદાણીએ રૂા.ર૦ લાખ અને ડો.જીજ્ઞેશ રામાવતએ રૂા.૬ લાખનું રોકાણ કર્યુ હતું. આ સીટી સ્‍કેન સેન્‍ટરનું સંચાલન ડો.જીજ્ઞેશ રામાવત અને તેમના ભાઇ ડો.આશીષ રામવતે કરવાનું નકકી થયેલ જયારે પેઢી માટે જરૂરી બાકી રકમની રૂા.૪પ લાખની લોન અત્રેની કો.ઓપ.બેંકમાંથી લેવામાં આવી હતી. આ ભાગીદારીમાં રોકાણ કરાયેલા અને લોનની મુડી થકી નગરપાલીકા કચેરી સામે એક બિલ્‍ડીંગ ભાડે રાખી તેમાં જરૂરી રૂા.૯૦ લાખની મશીનરી ખરીદી કરી તા.૧ એપ્રેલી ર૦૧૭ થી હોસ્‍પિટલ કાર્યરત કરી દેવામાં આવેલ હતી. ત્‍યારબાદ પુંજાભાઇએ અનેકવાર હોસ્‍પિટલ કેવી ચાલે તે બાબતે ભાગીદારો સાથે વાતચીત કરતા સારી ચાલતી હોવાના જવાબ મળતા હતા. વર્ષ ર૦૧૯ માં પુંજાભાઇને નાણાની જરૂર પડતા પેઢીમાંથી ઉપાડ આપવા જણાવતા ડો. જીજ્ઞેશએ એક-એક લાખના ચાર ચેક અને રૂા.પ૦ હજારનો એક ચેક આપતા તે તમામ રકમ ઉપાડી લેતા મારો ભાગીદારોએ વિશ્વાસ કેળવી લીઘો હતો.

દરમ્‍યાન પચ્‍ચીસેક દિવસ પૂર્વે ભાગીદાર રામભાઇએ જણાવેલ કે, આપણી હોસ્‍પિટલ બંઘ થઇ ગઈ છે. જેથી અમો સંચાલન કરતા બંન્‍ને રામાવત ભાઇઓને મળેલ ત્‍યારે બંન્‍નેએ જણાવેલ કે, હોસ્‍પિટલની ભાગીદારી પેઢીમાં ખોટ જતી હોવાથી બંઘ કરી તેની તમામ મશીનરી વેચી નાંખી બેંક લોન ભરપાઇ કરતા નફો કોઇ બચ્યો નથી. જેથી બેંકમાં તપાસ કરી ખરી નકલના ચાર દસ્‍તાવેજો મેળવ્યા હતા. જેમાંથી જાણવા મળેલ કે હોસ્‍પિટલ ની રૂા.૯૦ લાખની મશીનરી નજીવી કિંમતમાં એક સંપ કરી કાવતરૂ રચી ડો. આશીષના પત્‍ની રચનાબેન, સુરતના વિશાલ પરસોતમ મકવાણા અને વડોદરાના નરેશ શાહને બારોબાર મારી ખોટી સહીઓ કરી ખોટા વેચાણ દસ્‍તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી વિશ્વાતઘાત સાથે છેતરપીંડી કર્યાનું જાણવા મળ્યું હતું. 

ઉપરોકત બાબતે પુંજાભાઇએ તા.૭ જુલાઇ ર૦ર૦ ના રોજ ફોન કરી  ડો.આશીષ રામાવત સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, હું કંઇ જાણતો નથી તેવો ઉડાવ જવાબ આપી દીઘો હતો. જેથી આ બાબતે ગાંઘીનગરના પુંજાભાઇ બારડ એ ડો.આશિષ રામાવત, તેમની પત્ની અર્ચના રામાવત, તેમના ભાઇ ડો.જીજ્ઞેશ રામાવત, સુરતના વિશાલ મકવાણા, વડોદરાના નરેશ શાહ વિરૂઘ્‍ઘ ફરિયાદ નોંઘાવતા પોલીસે છેતરપીંડી, ષડયંત્ર અંગે આઇ.પી.સી. કલમ ૪ર૦, ૧ર૦ બી સહિતની કલમો હેઠળ ગુનો નોંઘી તપાસ હાથ ઘરી છે.

અત્રે નોંધનીય છે કે, વેરાવળના આ તબીબ છાશવારે અનેકવાર વિવાદોના વમળમાં આવતા રહ્યા છે. જેમાં તબીબએ ઇલેકટ્રીક કામની મંજૂરી ન ચુકવતા એક મજૂરે દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ ટોક ઓફ ઘ ટાઉન બન્યો હતો. આ વિવાદીત તબીબની ભૂમિકા ચર્ચાસ્પદ રહી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.