મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સરકાર તમામ વાહનોમાં રેટ્રો રિફ્લેક્ટિવ (ચમકતી) ટેપ લગાવવી ફરજિયાત કરવા જઈ રહી હોવાની જાણકારીઓ મળી રહી છે. વાહનોના આગળ અને પાછળ એક ખાસ આકાર અને પ્રકારની ટેપ લગાવવી જરૂરી બની જશે. ટેપ નહીં લગાવનાર વાહન ચાલક યા માલિકને તેના પર દંડ કરવામાં આવશે. આવો જાણીએ શું છે આ ટેપના ફાયદા અને તે સુરક્ષા માટે કેવી રીતે સારી છે.

આપણે અવારનવાર સાંભળ્યું અને જાણ્યું છે કે રાત્રી દરમિયાન વાહન કોઈ રોડની એક તરફ ઊભા ટ્રેલર પાછળ ઘૂસી જાય છે, કોઈ વાહન સાથે સીંગલ પટ્ટી રોડ પર ભટકાઈ જાય છે વગેરે રીતે અકસ્માતોમાં કેટલાક લોકોના જીવ ગયા છે અને કેટલાય ઈજાગ્રસ્ત થયા છે. જો વાહનની નંબર પ્લેટ સાથે આગળ અને પાછળના ભાગે એક ચમકતી ટેપ લગાવી દેવાય તો હેડલાઈટ્સનો સામાન્ય પ્રકાશ પડતાંની સાથે જ તે ચમકે છે અને વાહન ચલાવનારને એક જાણકારી મળી જાય છે કે આગળ કે પાછળના ભાગે કોઈ વાહન છે અને ચાલક સતર્ક થઈ જાય છે. તેના કારણે હવે સરકાર ઓટો રિક્ષા, ઈ-રિક્ષા, ઈ-કાર્ટ, ટ્રેક્ટર વગેરે સહિત તમામ વાહનોમાં રેટ્રો રિફ્લેક્ટિવ ટેપ લગાવવાનું ફરજિયાત કરવા જઈ રહી છે.

જો કોઈ વાહનમાં રિફ્લેક્ટિવ ટેપ નહીં હોય તો તેવા સંજોગોમાં ચાલક કે વાહન માલિકનો મેમો ફાટશે અને સાથે જ ભવિષ્યમાં પણ આવા વાહનોનું ફેટનેસ પ્રમાણપત્ર પણ કઢાવાશે નહીં તેવો નિર્ણય થઈ શકે છે. મીડિયા રિપોર્ટના આધારે માર્ગ અને પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલય વાહનોમાં રેટ્રો રિફ્લેક્ટિવ ટેપ સંબંધિત સૂચનો અઠવાડિયા જેટલા સમયમાં જાહેર કરશે તેવો અંદાજ છે. જોકે સુરક્ષાને લઈને સરકારનું આ એક યોગ્ય પગલું સાબિત થશે. એક વાર જાહેરાત બાદ તે કાયદાના રૂપે લેવાઈ જશે અને ટેપ નહીં લગાવનાર પર ભારે દંડ લગાવવામાં આવે તેવી શક્યતાઓ છે.

નિયમ મુજબ ઈ-રિક્ષા, ઈ-કાર્ટ અને થ્રીવ્હીલર વાહનોમાં આગળ સફેદ રંગ તથા પાછળ લાલ રંગની રેટ્રો રિફ્લેક્ટિવ ટેપ લગાવવી અનિવાર્ય હશે. જો સાઈઝની વાત કરીએ તો ઝાડાઈ 20 મીમી ઓછામાં ઓછી હોવી જોઈએ ધ્યાન રહે કે વિવિધ પ્રકારના વાહનોમાં ટેપના રંગ તથા કાર અલગ અલગ હોય તેવો પણ નિયમ બને તેવું શક્ય છે.

ઓટોમાં આ વ્યવસ્થા 2009માં લાગુ કરી દેવાઈ હતી. પરંતુ ઈ રિક્ષામાં ટેપ લગાવવાના નિર્ણને ટાળી દેવાયો હતો. પરંતુ વધતા માર્ગ અકસ્માતોને પગલે તેના પર પણ ટેપ લગાવવાનો નિર્ણય આવી શકે છે.

વાહનોમાં રિફ્લેક્ટીવ ટેપ લગાવવી સુરક્ષાની દ્રષ્ટીએ અનિવાર્ય છે. આપ પણ પોતાની કારમાં આ રિફ્લેક્ટિવ ટેપને લગાવી શકો છો. હાલના સમયમાં બજારમાં ઘણી કંપનીઓની આ પ્રકારની ટેપ્સ મળે છે. જેમાં સારી ક્વૉલીટીની ટેપ નક્કી કરી આપ તેને વાહન પર લગાવી શકો છો.