મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: ઘરફોડ ચોરી અને ચીલઝડપ કરતી ગેંગ ના તળખળાટ વચ્ચે   મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં વાહનચોરી કરતી ગેંગે પણ ધામા નાખતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. મોડાસા શહેરની શ્યામનગર સોસાયટીમાં ૭૨ કલાકમાં સતત બીજીવાર ઇનોવા કાર ચોરવાનો વાહનચોર ગેંગના પ્રયાસને સ્થાનિકોએ હિંમતભેર સામનો કરી નિષ્ફળ બનાવ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે વાહનચોર ટોળકી બંને વખત શ્યામનગર સોસાયટીમાં જુદી-જુદી ઇનોવા કાર ની જ ચોરી કરવાનો કેમ ટાર્ગેટ કરી રહી છે તે સમજવામાં કાર માલિક અને સ્થાનિકો પણ અસમંજસ અનુભવી રહ્યા છે. પલ્સર બાઈક લઈ ઇનોવા કાર લૂંટવા આવેલા બે વાહનચોરોને કાર માલિકે પડકાર ફેંકતા અને આજુબાજુના રહીશો દોડી આવતા વાહનચોર ઘટનાસ્થળે પલ્સર બાઈક મૂકી નાસી છૂટ્યા હતા. ઇનોવા કારના માલિકે મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી પલ્સર બાઈક કબ્જે લઈ તપાસ હાથધરી હતી.
 
મંગળવારે મધ્યરાત્રીએ મોડાસાના આઈટીઆઈ સામે આવેલી શ્યામનગર સોસાયટીમાં કોમનપ્લોટ માં રાખેલી ઇનોવા કારની ચોરી કરવા વાહનચોર ગેંગ સ્કોર્પિઓ ગાડી લઈ પહોંચ્યા હતા વાહનચોર ગેંગ ઇનોવા કારની ચોરી કરે તે પહેલા અવાજ થતા સ્થાનિકો જાગી જતા કોમનપ્લોટમાં દોડી જતા વાહનચોરોએ પથ્થરોથી હુમલો કરી ફરાર થઈ ગયા હતા. શુક્રવારે મોડીરાત્રે પલ્સર બાઈક પર બે વાહનચોર માસ્ટર કી, પાના પક્કડ સાથે પહોંચી શ્યામનગરના કોમનપ્લોટમાં પડેલ અન્ય ઇનોવા કારની ચોરી કરવાના પ્રયાસ થતા ઇનોવાકારના માલિક જાગી જતા વાહનચોરને પડકારતા હો..હા થતા આજુબાજુના રહીશો દોડી આવતા વાહનચોરો પલ્સર બાઈક અને ઇનોવા કારની ચોરી કરવાના સાધન અને પેટ્રોલ ભરેલ કેરબો સ્થળ પર મૂકી નાસી છૂટ્યા હતા ૭૨ કલાકના ટૂંકા ગાળામાં બીજીવાર એકજ સ્થળેથી ઇનોવા કારની લૂંટનો પ્રયાસ સ્થાનિકોની સતર્કતાના પગલે નિષ્ફળ રહેતા વાહનચોરી કરતી ગેંગથી ફફડાટ ફેલાયો છે. ઇનોવા કારના માલિકે મોડાસા ટાઉનપોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી રાબેતા મુજબ તપાસનું રટણ કરી પલ્સર બાઈક લઈ ગઈ હતું.
 
પલ્સર બાઈકને મોડાસા ટાઉન પોલીસે બિનવારસી હાલતમાં મળી આવ્યું હોવાનું ચોપડે ચઢાવ્યું

મોડાસાની શ્યામનગર સોસાયટીના કોમનપ્લોટમાં પાર્ક કરેલી ઇનોવા કારની ચોરી કરવા પલ્સર બાઈક પર પહોંચેલા બે શખ્શોએ ચોરીનો પ્રયાસ કરતા કાર માલિક અને સ્થાનિકોએ નિષ્ફળ બનાવતા કાર ચોરી કરવા આવેલા બંને શખ્શો બાઈક મૂકી નાસી છૂટતા કાર માલિકે ટાઉનપોલીસને જાણ કરતા પલ્સર બાઈક ટાઉન પોલીસે પોલીસસ્ટેશનમાં ખસેડી હતું ઇનોવા કાર ચોરીની ઘટના અને બાઈક અંગે ટાઉન પોલીસ સ્ટેશનમાં ટેલિફોનિક પૂછપરછ કરતા કોઈ ફરિયાદ નોંધાઈ નથી અને પલ્સર બાઈકને બિનવારસી હાલતમાં મળી આવ્યું હોવાનું પોલીસ ચોપડે નોંધાયું હોવાનું જણાવતા અચરજ ફેલાયું છે.

મોડાસા ટાઉન પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવા વચ્ચે તસ્કરો બેફામ 

મોડાસા શહેરમાં બાઈક ચોરી અને ઘરફોડ ચોરીના બનાવો સતત બનતા નાઈટ પેટ્રોલિંગના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે શહેરમાં નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે અને હોમગાર્ડ પોઇન્ટ મુકવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે શહેરીજનો હાલ અસલામતી અનુભવી રહ્યા હોવાનો અહેસાસ અનુભવી રહ્યા છે.