મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ રાજ્યની ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા VCE તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન શરુ થવાના ગણતરીના દિવસો પહેલા તેમની પડતર માંગણીઓને લઈને ૧ ઓક્ટોમ્બરથી ગ્રામ પંચાયતોમાં કામગીરીથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે. હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીમાં ટેકાના ભાવે મગફળી વેચવા રજીસ્ટ્રેશન કરાવવા ભારે ધસારો રહેવાના પગલે વીસીઇ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થવાની રહેલી સંભાવનાના પગલે વીમા કવચ આપવાની માંગ પણ કરી અરવલ્લી જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી.

અરવલ્લી જીલ્લાની ગ્રામ પંચાયતોમાં વર્ષોથી વીસીઇ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ પગાર વગર છેલ્લા ૧૪ વર્ષથી કમિશન પર કામ કરી રહ્યા છે. સરકારે વીસીઇ કર્મચારીઓના પગાર ધોરણ નક્કી કરવામાં આવેની વારંવાર રજુઆત કરવા છતાં યોગ્ય નિર્ણય લેવાયો નથી. જેથી અરવલ્લી જિલ્લામાં મગફળીના રજિસ્ટ્રેશન પહેલા ગ્રામ પંચાયતના કૉમ્પ્યુટર ઑપરટર દ્વારા કામગિરીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. જિલ્લાના પંચાયત કૉમ્પ્યુટર ઑપરેટર મંડળની માંગ છે કે, કૉરોના મહામારીમાં તેમને વીમા કવચ પુરું પાડવામાં આવે, સાથે જ કમિશન પ્રથા બંધ કરી પગાર ધોરણ નક્કી કરવો તેમજ અગાઉનું પીએમ કિસાન, કૃષિ સહાય, જન્મ-મરણ સહિતની એન્ટ્રીનું ચુકવણું તાત્કાલિક કરવામાં આવે. આ ત્રણ માંગને લઇને અરવલ્લી જિલ્લા અધિક કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.