મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ વાપી શહેરના ચણોદ ખાતેની આઈઆઈએફએલ (ઈન્ડ્યા ઈન્ફોલાઈન ગોલ્ડ લોન એન્ડ ફાઈનાન્સ)ની ઓફીસમાં કર્ચમારીઓને બંધક બનાવીને લૂંટારૂઓ 10 મીનિટમાં જ 10 કરોડ રૂપિયા લૂંટી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ તુરંત સ્થળ પર દોડી આવી હતી અને આ ઉપરાંત ગુજરાતની બહાર તરફ જતી બોર્ડર્સના રોડ પર નાકાબંધી કરી દેવાની સૂચના આપી હતી.

ચણોદ વિસ્તારમાં ચંદ્રલોક એપાર્ટમેન્ટના પહેલા માળે IIFL ગોલ્ડ લોન બેંકમાં આજે ગુરુવારે સવારે પોણા 10 વાગ્યાની આસપાસ 6 જેટલા બુકાનીધારી ઘૂસ્યા હતા. બુકાનીધારી શખ્સોએ રિવોલ્વર તેમજ ઘાતક હથિયારો બતાવી કર્મચારીઓને સેલોટેપ વડે બાંધીને બંધક બનાવ્યા હતા. શખ્સોએ લોકરની ચાવીઓ લઈ લોકર ખોલી અંદર રહેલું આશરે 8 કરોડથી વધુનું સોનું લૂંટીને તમામ લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા એસપી તેમજ વાપી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આશરે 10થી 15 મિનિટમાં જ લૂંટને અંજામ આપી શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. લૂંટારૂઓએ મોઢે બુકાની બાંધી હતી અને જેકેટ પહેર્યા હતા. તેમજ લેંઘો અને ઝભ્ભા પહેર્યા હોવાનું કર્મચારીઓએ પોલીસને જણાવ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં તેમજ આસપાસના પાડોશી રાજ્યોને નાકાબંધીની જાણ કરવામાં આવી છે. તેમજ સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. જોકે લૂંટારૂઓએ અંદર આવીને સીસીટીવીના વાયર તો કાપી નાખ્યા હતા પરંતુ તે પહેલા તેઓ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા.

લૂંટારૂઓએ કર્મચારીઓને બંધક બનાવી લઈને હથિયારો દેખાડી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. આશરે 10 કરોડથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયાં હતાં. ભરચક વિસ્તારમાં દોળા દિવસે થયેલી લૂંટને પગલે ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસ હાલ સીસીટીવીના આધારે વધુ તપાસની તજવીજ હાથ ધરી રહી છે. પોલીસનું માનવું છે કે શખ્સોને તેઓ જલ્દી જ ઝડપી લેશે.