રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): ડોક્ટરમાં બુધ્ધિ હોય; પરંતુ વિવેકબુદ્ધિ ન પણ હોય ! ડો. જાકિર નાઈક [જન્મ 18 ઓક્ટોબર 1965] પોતે MBBS છે; પણ ધર્મપ્રચારક છે. સ્કલકેપ અને ટાઈ-સુટમાં ધર્મ પુસ્તકો-કુરાન/બાઈબલ/ગીતા/વેદોનો હવાલો ચેપ્ટર અને પેરેગ્રાફ/શ્લોક સાથે આપે છે; જેથી લાખો દર્શકો અભિભૂત થઈ જાય છે ! કુરાનમાં કેટલું સાયન્સ ભરેલું છે; તે ચેપ્ટર નંબર અને પેરેગ્રાફ નંબર સાથે કહે છે ! એમની સભાઓ કોર્પોરેટ કથાકારોની કથાઓ કરતા ચાર ગણી મોટી હોય છે ! 20 વર્ષમાં 30 થી વધુ દેશોમાં 2000થી વધુ સભાઓમાં ઉપદેશ આપ્યો છે ! અંગ્રેજી અને હિન્દીમાં બોલે છે. એમની Peace  TV ચેનલ અનેક ઈસ્લામિક દેશોમાં પ્રસારિત થાય છે; કરોડો લોકો જૂએ છે. તેમની NGO-ઈસ્લામિક રીસર્ચ ફાઉન્ડેશન સામે મની લોડ્રિંગ સબબ NIA તપાસ કરી રહી છે. તેમની સામે નફરત ફેલાવવાનો પણ આરોપ છે. મુંબઈની ભીંડી બજારના એક નાના મકાનમાં મોટા થયેલ નાઈક છેલ્લા ત્રણ વર્ષથી મલેશિયામાં વિશાળ બંગલામાં રહે છે !

એમના વીડિઓ જૂઓ; લાખોની મેદની વચ્ચે નોન-મુસ્લિમ તેમને પ્રશ્નો પૂછે તેવું આયોજન કરાય છે; જેમાં જૈન/હિન્દુ/ખ્રિસ્ત/બૌધ્ધ વગેરેનો સમાવેશ થાય છે; તે પૈકી કેટલાંક નોન-મુસ્લિમ વ્યક્તિઓ જાહેરમાં ઇસ્લામ ધર્મ કબૂલ કરે છે ! તેમને ડો. નાઈક જન્નતની ખાત્રી આપે છે ! મહાભારત કાળમાં ઇન્ટરનેટ હતું તેવું ધર્મજડસુઓ કહે છે; એ રીતે ડો. નાઈક કહે છે કે મોટર સાયકલનો ઉલ્લેખ કુરાનમાં છે ! તે એવો દાવો કરે છે કે ગોડ નથી; માત્ર અલ્લાહ છે ! કુરાન આકાશી ગ્રંથ છે, અલ્લાહે આપેલ ધર્મપુસ્તક છે ! બધી સમસ્યાઓનો ઉકેલ ‘રામચરિત્ર માનસ’માં છે; તેમ કથાકાર કહે છે. શાસ્ત્રીઓ/સદગુરુઓ/સ્વામિઓ કહે છે કે દરેક સમસ્યાનો ઉકેલ ગીતામાં/મનુસ્મૃતિમાં છે ! ડો. નાઈક બધી સમસ્યાઓનો ઉકેલ કુરાનમાં છે; તેમ કહે છે ! ડો. નાઈકના પ્રવચનો મુસ્લિમ યુવાનો બહુ સાંભળે છે; તેમને શું સમજવું? 2016 માં ઢાકામાં બોમ્બ ધડાકા થયેલ તેમાં 22 લોકોના જીવ ગયા હતા. આ ધડાકાઓમાં સંડોવાયેલ એક આતંકવાદીએ કબૂલ કરેલ કે ડો. જાકિર નાઈકના ભાષણો સાંભળીને આવું કૃત્ય કરવાની પ્રેરણા મળી હતી ! બાંગ્લાદેશે તરત જ પીસ ટીવી ચેનલ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. વિનોબાજીએ કહ્યું છે કે આજના સમયે, એક પણ ધર્મપુસ્તકને બેઠેબેઠું માની શકાય તેવું નથી !

એક વીડિઓમાં પ્રોફેસર ગોવિંદ તિવારી પૂછે છે : ‘કેટલીક મુસ્લિમ સ્કુલોમાં વંદેમાતરમ્ ગવાતું નથી; કેમ?’ ડો. નાઈકે જવાબ આપે છે : ‘વંદેમાતરમ્ એટલે દેશને માતા માની તેની પૂજા કરવી; આ તો ઈસ્લામ/હિન્દુ/ખ્રિસ્તી ધર્મની ખિલાફ છે. આ દરેક ધર્મમાં ઈશ્વર સિવાય કોઈની પૂજા કરવાની મનાઈ છે. માથું માત્ર અલ્લાહ સમક્ષ જ ઝૂકે !’ કેવી ચાલાકી ! અલ્લાહ/જન્નતને કોઈએ જોયેલ નથી; પરંતુ તે અંગેની વાતોથી/ઉપદેશોથી લાખો લોકોની સભાને ; પીસ ટીવી મારફતે કરોડો લોકોને આબાદ રીતે ગેરમાર્ગે દોરી શકાય છે ! પરલોક/જન્નત/શ્રધ્ધા અને અંધવિશ્વાસના હથિયારથી આખા સમાજની વૈજ્ઞાનિક ચેતનાની/રેશનલ સમજની હત્યા કરી શકાય છે ! જૂની પરલોકવાદી મદિરાને વિજ્ઞાન અને મનોવિજ્ઞાનની નવી બોટલમાં ભરીને ભક્તોને પાય છે ! પ્રત્યેક ધર્મ/સંપ્રદાયના અંધભક્તો સરખા ! પહેલા તેઓ ધર્મોપદેશકોના પ્રવચનોમાં વિજ્ઞાન શોધે છે; પછી આઈન્સ્ટાઈન/હોકિંગના વક્તવ્યોમાં ધર્મ અને ગૂઢવાદ શોધે છે ! દરેક ધર્મોપદેશકો ભક્તોને કટ્ટરતા ઘૂંટીઘૂંટીને પાય છે ! નિરીક્ષણ કરજો; ડો. નાઈક સહિત તમામ ધર્મોપદેશકો આલોકમાં જ જન્નત ભોગવી લે છે !

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં હેતુ માત્ર તેમના વિચારો અને લેખન કલાને રજુ કરવાનો છે)