મેરાન્યૂઝ નેટવર્ક.વલસાડઃ વલસાડના કપરાડા તુલાકા ખાતે નાના પૌંઢા ધરમપુર રોડ પર ચાલુ બસે બસનું ટાયર નીકળી ગયું હતું. ઉલ્લેખનીય છે કે સમારકામના અભાવે ખખડધજ હાલતની બસો દોડાવી સરકાર લોકોના જીવ સાથે સીધી રીતે રમત રમી રહી છે. આવી બસો રોડ પર દોડે તો તે દોડતા મોત સમાન છે. જયારે બસ પુર ઝડપે દોડી રહી હતી તે જ વખતે બસનું ટાયર નીકળી ગયું. બસમાં મુસાફરો પણ બેઠા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની ન થતાં સહુએ હાંશકારો અનુભવ્યો હતો.

નાસિકથી વલસાડ તરફ આવતી બસ કપરાડા તાલુકાના નાના પૌંઢા ધરમપુર રોડ પરથી પસાર થઈ રહી હતી. દરમિયાન પુર ઝડપે જતી બસનું ટાયર અચાનક નીકળી ગયું હતું. બસ અચાનક ટાયર નીકળી જતાં નીચે નમી ગઈ હતી અને સહુ મુસાફરોનો જીવ પડીકે બંધાયો હતો. મુસાફરોએ બુમાબુમ કરી દીધી હતી. બસની હાલત ભલે ખરાબ હતી પરંતુ ચાલકની સમયસૂચકતાએ બસ તુરંત કાબુમાં કરી લીધી અને સહુ મુસાફરોનો જીવ બચી ગયો હતો. ઘટનામાં જાનહાની ન થતાં સહુ કોઈએ ભગવાનનો ભારોભાર આભાર માન્યો હતો.