મેરાન્યૂઝ નેટવર્ક, વલસાડ: સરકારે કડક નિયમો બનાવ્યા છતાં ગૌવંશની તસ્કરીની ઘટનાઓ અટકવાની નામ નથી લઇ રહી. બીજી તરફ તસ્કરો પણ બેફામ બન્યા છે અને ગૌરક્ષકો પર જીવલેણ હુમલો કરતા પણ અચકાઇ નથી રહ્યા. આવી જ ઘટના વલસાડમાં બની જ્યાં ગૌવંશ ભરેલી ટ્રક અટકાવવા જતાં એક ગૌરક્ષકને કચડી નાખ્યો.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ અને ડુંગરી વચ્ચે 17જૂનની મોડી રાત્રે ગૌવંશની તસ્કરી થવાની હોવાની ચોક્કસ બાતમી મળતા વલસાડના ગૌરક્ષક હાર્દિક કંસારા અને તેની ટીમ ડુંગરી વિસ્તારમાં વોચ પર બેઠા હતા. તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો નંબર MH-04-FD-2714 આવતા ગૌરક્ષકોએ તેને અટકાવવાનો ઈશારો કરતા ટેમ્પોચાલકે ટેમ્પો ઉભો ન રાખતા ભગવા જતા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખના ભત્રીજા હાર્દિક કંસારાને ટેમ્પાએ અડફેટે લેતા હાર્દિકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું. ટેમ્પોચાલક અકસ્માત સર્જી ટેમ્પો મુકી ફરાર થઈ ગયો હતો. 

બનાવની જાણ ડુંગરી પોલીસને થતા ડુંગરી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. ગૌવંશની તસ્કરીના ટેમ્પામાંથી પોલીસને 10 ગાય અને એક નંદી મહારાજ મળી કુલ 11 ગૌવંશ ભરેલો ટેમ્પો ઘટના સ્થળેથી મળી આવ્યો હતો. બનાવની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.