મેરાન્યૂઝ નેટવર્ક, એટલાન્ટા:  અમેરિકાના એટલાન્ટા સિટીમાં નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ (વડોદરા)ના સાંનિધ્યમાં કૃષ્ણ પંચામૃત મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાઇ ગયો. રવિવારે સર્વોત્તમ યજ્ઞ અને સરસ્વતી યજ્ઞના આયોજન દ્વારા કૃષ્ણ પંચામૃત મહોત્સવનું સમાપન થયું હતું. મહોત્સવના છેલ્લા દિવસે વૈષ્ણવાચાર્યે ભગવાન કૃષ્ણના ગૌ માતા પ્રત્યેના પ્રેમ અને ગૌ માતા પ્રત્યેની ભક્તિનું મહાત્મ્ય વર્ણવ્યું હતું. આ ઉપરાંત અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયેલા ભારત દેશને ‘ઇન્ડિયા’ કેમ કહે છે તેનો સાચો અર્થ સમજાવ્યો હતો.

દ્વારકેશલાલજીએ જણાવ્યું હતું કે, આપની આસપાસ આપણી સંસ્કૃતિ હંમેશા રાજ કરતી રહે છે. એવી જ રીતે પંચ કર્મેન્દ્રિયોનો જો વિચાર કરીએ તો ભારતીય ધર્મ, ભારતીય વિચારધારા, સભ્યતા અને પરંપરાઓ પાંચ પ્રકારની માતૃશક્તિને વંદન કરે છે. સૌથી પહેલાં તો આપણે આપના રાષ્ટ્રને જ ભારત માતા કહીએ છીએ. સંસારમાં એવો એક પણ દેશ નથી કે જે પોતાના રાષ્ટ્રને ‘મા’ માનતો હોય. માત્રને માત્ર આર્યાવ્રતમાં રહેલું ભારત વર્ષ એવું છે. અજ્ર નામ જેનું નામ હતું ભારત વર્ષ તેનું નામ થયું આર્યાવ્રત પછી નામ થયું, હિન્દ પ્રાંત પછી થયું પછી ભરત થયું ભરતના નામથી ભારત નામ થયું. પછી મુગલો આવ્યા ત્યારે હિન્દુસ્તાન કર્યું, ચંદ્રગુપ્તના સમયમાં હિન્દુસ્થાન થયું. ત્યારબાદ અંગ્રેજોના સમયમાં ઇન્ડેપેડન્ટ નેશન ઓફ ડેમોક્રેસી ઇન ઓગસ્ટ એટલે કે INDIA નામકરણ બ્રિટિશરોએ કર્યું. બ્રિટિશરોએ આવી તેમની વાત આપણને શીખવાડી. બ્રિટિશરો આવ્યા, ભારત પર શાસન કરનારા બદલાતા રહ્યા કારણ કે, ગંગા આપના હ્રદયમાં વહે છે, ગૌ માતાનું પૂજન સંસ્કૃતિ મુજબ કરીએ છીએ. સાથેસાથે ગીતાનું જ્ઞાન વ્યક્તિ કોઇપણ સંપ્રદાયનો કેમ નહોય છતાં ભૂલાયું નથી.

દ્વારકેશલાલજીએ કૃષ્ણની ગૌ માતા પ્રત્યેની પ્રિતિ અદભૂત રહી છે તેમ ટાંકી વર્ણવ્યું હતું કે, કૃષ્ણ જન્મ્યા મથુરામાં હતા પરંતુ જન્મ બાદ તરત જ તેમણે ગોકુળ તરફ દોડ મૂકી હતી. કારણ કે, ગોકુળમાં ગાય હતી. જશોદા માતાના ઘરે પારણે ઝૂલતો કનૈયો રડતો ત્યારે ગૌ શાળામાં ભાંભરતી ગાયોનો મીઠો અવાજ સાંભળી કનૈયો શાંત થઇ જતો. 

ગોકુલધામ હવેલીમાં આયોજિત કૃષ્ણ પંચામૃત મહોત્સવના સમાપન દિવસે ગોકુલધામના સ્વયંસેવકોનું દ્વારકેશલાલજી મહારાજ અને આશ્રયકુમારજી મહોદયે સન્માન કરી આશીર્વાદ પાઠવ્યા હતા.