મેરાન્યૂઝ નેટવર્ક.વડતાલઃ મુન્દ્રા તાલુકાના ડેપા ગામની સીમમાં એક 23 વર્ષના યુવકની હત્યા કરેલી લાશ મળી આવી હતી. જે કેસની તપાસ પોલીસ કરી રહી હતી. પોલીસને તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ પરથી અને મોબાઈલ સર્વેલન્સ દરમિયાન કેટલીક અગત્યની જાણકારીઓ મળી હતી. પોલીસે પોતાની તપાસને વધુ ધમધમાટ આપ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક યુવક મળ વડોદરાનો મીત અશોકભાઈ પટેલ છે જે સ્વામિનારાયણ મંદિર વડતાલમાં કામ કરે છે. પશ્ચિમ કચ્છ પોલીસના ડીવાયએસપી જે એન પંચાલે કેટલીક માહિતી આપી કે, મીત પોતાની ભાવિ પત્ની રેણુકા નાયકા અને તેના પ્રેમી હસમુખ રાઠવા બંને ભાગી ગયા હતા તેને શોધવા અહીં આવ્યો હતો.

કચ્છમાં માંડવી ખાતે હસમુખના પિતા શંકર ખેત મજુરી કરતા હતા. તે પોતાનું બાઈક લઈ અહીં આવ્યો હતો. તે અહીં બાઈક લઈને ફરી રહ્યો હતો. દરમિયાન મીતે રેણુંકા અને હસમુખ નહીં મળે તો શંકરને વડોદરા ઉપાડી જવાની ધમકી આપી હતી. જેને કારણે બાઈકની પાછળ બેસેલા શંકરે બાઈક પર પાછળથી ગળા પર મીતને છરીથી હુમલો કરતાં તેનું મોત નિપજ્યું હતું. હત્યાથી હેબતાઈ ગયેલો શંકર ત્યાંથી ભાગી ગયો અને ખેતરમાં કામ કરવા લાગ્યો, જાણે કાંઈ બન્યું જ નથી તેવો ડોળ કરવા લાગ્યો. હત્યાની માહિતી મળતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી અને આખું ચિત્ર સ્પષ્ટ થઈ જતાં પોલીસે તેને પકડી પાડ્યો હતો.