સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ખાતે મંગળવારે શિક્ષાપત્રીની 195મી જન્મ જયંતિની ભાવસભર ઊજવણી કરવામાં આવી. પ્રારંભ માં સુંદરપગીના કુવા પરથી સોનાની પાલખીમાં શિક્ષાપત્રીજી પધરાવીને નગરયાત્રાના રૂપમાં મંદિર પરિસરમાં પધાર્યા હતા. મંદિરના સભામંડપમાં સંતો હરિભક્તોએ શિક્ષાપત્રી પુજન કર્યું હતું. 400 ઉપરાંત સત્સંગી ભાઇ-બહેનોએ શિક્ષાપત્રી વાંચન અને પુજનનો લાભ લીધો હતો. ગુરૂકુળના 40 થી વધુ વિદ્યાર્થીઓ પણ પૂજનમાં જોડાયા હતા. મંદિરના ચોકને પથ્થરથી મઢાવવા માટે કરોલીના હરિકૃષ્ણભાઇ યજમાન બન્યા હતા. વડતાલ સંસ્થા તરફથી કોઠારી ડો સંત સ્વામી - ચેરમેનશ્રી દેવ સ્વામી ; શાસ્ત્રી હરિકપ્રકાશ સ્વામી ; પુ ગોવિંદ સ્વામી મેતપુરવાળા ,પુ શુકદેવ સ્વામી નાર , પૂ નૌતમ સ્વામી અને લાલજી મહારાજના વરદ હસ્તે હસ્તલિખિત પ્રસાદીની શિક્ષાપત્રી હરિકૃષ્ણ  પટેલને ભેટ અર્પણ કરવામાં આવી હતી. 

ભગવાનશ્રીહરિએ જયાં સર્વજીવ હિતાવહ એવી શિક્ષાપત્રી લખી હતી તે હરિમંડપના પાછળના ભાગે સવારે શિક્ષાપત્રી યજ્ઞ યોજાયો હતો. જેના યજમાન હાઇકોર્ટના નિવૃત્ત જજ અશોકભાઇ એલ. દવે છેલ્લા 49 વર્ષથી શિક્ષાપત્રી યજ્ઞનો લાભ લે છે. ભુદેવો અને સંતોએ મંત્ર આહુતી અર્પણ કરી હતી. સવારે સુંદર પગીના પ્રસાદીના કુવાનું પુજન સંતો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો.સંતસ્વામીએ જમીન સંપાદન અને જમીન સમથળ કરવા અંગેની વિગતો જણાવી હતી. ચેરમેન દેવ સ્વામીએ આવા તમામ પ્રસાદીના સ્થળ પર સ્મૃતિછત્રીઓ કરાવીને જીર્ણોદ્ધાર કરાવ્યો છે. 

આજરોજ વડતાલ ટેમ્પલ કમીટીના સભ્યો ઘનશ્યામ ભગત વગેરેએ કુવાનું પૂર્તકર્મ પૂજાવિધિ કરી હતી. નૌતમ સ્વામીએ ડો.સંતસ્વામી અને ઘનશ્યામ ભગતે દાખવેલા પુરૂષાર્થને બિરદાવ્યો હતો. સભા મંડપમાં શાસ્ત્રીસ્વામી નારાયણદાસજીએ શિક્ષાપત્રીનું વાંચન કર્યું હતું અને રસદર્શન કરાવ્યું હતું. પૂજ્યલાલજી પૂ.સૌરભપ્રસાદજી મહારાજે યજમાન હરિભક્તો પર પુષ્પપાંદડીઓનો અભિષેક કરી વધાવ્યા હતા. આ પ્રસંગે ડો.સંતસ્વામી, શા.નૌત્તમપ્રકાશદાસજીસ્વામી, શુકદેવસ્વામી, શા.હરિપ્રકાશદાસજીસ્વામી, ચેરમેન દેવપ્રકાશસ્વામી વગેરેએ પ્રાસંગીક ઉદબોધનો કર્યા હતા. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ઓનલાઇન આર્શિવચન પાઠવ્યા હતા.

સભામંડપમાં સંતો દ્વારા મહેન્દ્રભાઇ નીલગીરીવાળા, રાજેશભાઇ પટેલ, રાકેશભગત પાટીદાર, સતીષભાઇ પટેલ, ચંદ્રેશભાઇ પટેલ, મનન પટેલ , પ્રફુલ પટેલ , પંકજભાઈ જી. પટેલ વડોદરા , શૈલેષભાઈ સાવલિયા ; સંજયભાઈ સેક્રેટરી વગેરેનું સન્માન કરાયું હતું. આજના યોગાનુંયોગ સદગુરૂ બ્રહ્માનંદસ્વામીની 249મી જન્મજયંતિ તથા સદગુરૂ નિષ્કુળાનંદસ્વામીની 255 વર્ષની જન્મજયંતિ હોય બન્ને સદગુરૂ નંદસંતોની પ્રતિમાનું સંતોદ્વારા ભાવપુજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવના યજમાનો કેન્યા ખાતે રહેતા વસો કરોલીના હરિકૃષ્ણભાઇ ભાનુભાઈ પટેલ, પરેશકુમાર પરસોત્તમભાઇ પટેલ -રાજ પરેશભાઇ પટેલ - વડતાલ હતા. હરિ મંડપમાં બહેનોને સવારે 7 થી સાંજે 7 સુધી દર્શન અને પાઠનો લાભ મળ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઋતુરાજ વસંત અર્થાત્ વસંતપંચમીનો મોટો મહિમા છે. આ મંગલદિને સંપ્રદાયના અજોડ ગ્રંથ શિક્ષાપત્રીનો વડતાલ મધ્યે પ્રાદુર્ભાવ થયો હતો. શ્રીહરિએ સ્વહસ્તે પોતાની વાણીરૂપ આ આજ્ઞાપત્રીની સર્વજીવોના કલ્યાણ અર્થે રચના કરી હતી. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા શ્યામવલ્લભસ્વામીએ સંભાળી હતી.