મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી ગોત્રી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સેવા કરતી મહિલા નર્સની લાશને પતિએ જ પોતાના કારમાંથી ફેંકી દીધી હતી અને એક્ટીવા પણ ફેંકી દીધું હોવાનું પોલીસ સામે આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસ તપાસમાં મહિલા નર્સની હત્યા માટે તેના પતિના કનેક્શન્સ હોવાનું જાણવા મળતાં પોલીસે તેની ધરપકડ પણ કરી છે.

શુક્રવારે વૈકુંઠ 2 પાસે અવાવરુ વિસ્તાર પરથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાના મૃતદેહની તપાસ કરતાં તે ગોત્રી હોસ્પિટલમાં કોરોના સેન્ટરમાં ફરજ બજાવતી નર્સ શિલ્પા પટેલ હોવાની જાણકારી મળી હતી. પોલીસને વાત સમજતાં વાર ન લાગી, પોલીસે તરંત આ ઘટનાની પોતાની આગવી ઢબે તપાસ કરતાં તેની હત્યામાં તેનો પતિ જયેશ જોડાયેલો હોવાનું સામે આવ્યું હતું. પોતે આ ઘટનાને અકસ્માત જેવું રૂપ આપવા જતાં થાપ ખાઈ ગયો હોવાનું માલુમ પડ્યું હતું.


 

 

 

 

 

પોલીસને મળેલી જાણકારીમાં ખબર પડી કે, તેનો પતિ જયેશ સીઆરસી તરીકે આણંદમાં નોકરી કરે છે. જયેશ અને શિલ્પા બંને એક બીજા પર શંકાશિલ હતા. અવારનવાર તેઓ બંને વચ્ચે આ કારણે એક બીજાના ચારિત્રયને લઈને ઝઘડાઓ પણ થતા હતા. આવો જ એક ઝઘડો તે દિવસે પણ થયો હતો, ઝઘડા પછી શિલ્પા પોતાની ફરજ પર જવા હોસ્પિટલ ખાતે પહોંચવા નીકળી ગઈ. જયેશે તેનો પીછો કર્યો અને તેને વૈકુંઠ 2 આગળ પોતાની કાર પાસે લઈ જઈ રસ્તામાં રોકી અને તેને કારમાં બેસાડી લીધી. વૈકુંઠ 2 પાસે જ તેઓ કારમાં એક બીજા સાથે ઝઘડવા લાગ્યા. બંને વચ્ચેનો ઝઘડો વાતચિત સુધી સિમિત ન રહેતા હિંસા પર ઉતરી ગયો અને જયેશે શિલ્પાની હત્યા કરી નાખી હતી. 

 

શિલ્પા હવે જીવતી રહી નથી તેની ખાતરી થતાં જયેશે હત્યાની ઘટનાને અકસ્માતનું રૂપ આપવાનું નક્કી કર્યું અને તેણે વૈકુંઠ-2 પાસેના અવાવરું વિસ્તાર જેવા રસ્તા પર કે જ્યાં કોઈની અવર જવર ઓછી રહે ત્યાં શિલ્પાની લાશને પોતાની કારમાંથી ફેંકી દીધી અને એક્ટીવા પણ ફેંકી દીધું હતું. 

પોલીસ પાસેથી મળતી જાણકારી પ્રમાણે, મહિલાની હત્યા કરેલી લાશ મળી પછી જે તપાસ શરૂ થઈ તેમાં પોલીસની તેના પતિ પર શંકાઓ વધતી ગઈ હતી. પોલીસ તપાસમાં પણ મહિલા નર્સનો પતિ જયેશ જે પ્રકારે હાવભાવ અને ભયભીત દેખાઈ રહ્યો હતો તે પ્રમાણે પોલીસની શંકાને વધુ સમર્થન મળ્યું હતું. પોલીસે આગવી ઢબે પુછપરછ કરતાં તેણે જ આખરે બધી જાણકારી પોલીસ સમક્ષ મુકી દીધી અને પોતે શિલ્પાની હત્યા કરી હોવાનું કહ્યું હતું.