મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ એક તરફ ભાજપ સરકાર ખેડૂતોને પાક વીમા સહિતની સગવડો આપતી હોવાનો દાવો કરી રહી છે બીજી તરફ ખેડૂતોના પ્રશ્નને લઈ સરકાર એટલી ફફડે છે કે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કોઈ ખેડૂત દંગલ ઊભું કરે નહીં અને કાળા કપડાં પહેરીને આવે નહીં તે માટે વડોદરા જતી એસટી બસીસમાં એક એક પોલીસ બેસાડવામાં આવી રહી છે.

વડોદરાના સયાજીપુરા એપીએમસી માર્કેટમાં મુખ્યમંત્રી વિજય રુપાણી એક કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યા છે. આ કાર્યક્રમ માટે આસપાસના જિલ્લાઓમાંથી ખેડૂતોને એસટી બસ દ્વારા વડોદરા લાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ વાસ્તવિક્તા સમજતી સરકારને ખબર છે કે ખેડૂત નારાજ છે. આ કાર્યક્રમમાં આવનાર ખેડૂતો મુખ્યમંત્રી સામે દેખાવો કરે, કાર્યક્રમમાં વિક્ષેપ ઊભો કરે, તેમજ કાળું કપડું પહેરી વિરોધ વ્યક્ત કરશે તેવી દહેશત હોવાને કારણે વડોદરા ખાતે ખેડૂતોને લઈ આવતી એસટી બસમાં એક એક પોલીસ જવાન બેસાડવાનો આદેશ અપાયો છે.

આ પોલીસ જવાને ખેડૂતો પર નજર રાખવાની રહેશે અને કોઈ પણ બાબતની શંકા જાય તો પોતાના પોલીસ મથકના અમલદારને જાણ કરવાની રહેશે. આમ જગતના તાતની ખુદ સરકારને જ બીક લાગી રહી છે.