મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ પોલીસ જવાનને ફરજ બજાવતી વખતે મોત મળ્યાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની ચુકી છે. હાલમાં વડોદરામાં એલઆરડી જવાનને એક શખ્સે પોતાના વાહન પરથી એટલી સ્પીડમાં બંપ કુદાવ્યો કે તે ફંગોળાઈને પટકાય છે અને સારવાર દરમિયાન તે એલઆરડી જવાનું મોત થાય છે. આ ઘટના સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

ઘટના એવી બની કે, ગત વડોદરા પોલીસ 30 જુને રાત્રે કરફ્યૂના પાલનની કામગીરી કરી રહી હતી. દરમિયાન પોલીસ ફતેહગંજ સર્કલ ખાતે રાત્રે 9થી 9.30 દરમિયાન ફરજ પર હતી. વાહન ચેકિંગ દરમિયાન ડીઓ મોપેડ ધરાવતા ચાલક કુશવંત સવિન્દ્રસિંગ ગોત્રા (રહે. શ્રીમાઈ કૃપા સોસાયટી, રોઝિઝ ગાર્ડન, વડોદરા)ને  અટકાવવામાં આવ્યો હતો. કરફ્યૂ ભંગ બદલ તેની સામે કાર્યવાહી કરવાની હોવાથી તેના વાહન પાછળ એલઆરડી જવાન પ્રિતેશ રમેશભાઈ સોલંકીને બેસાડી તેને ફતેગંજ પોલીસ સ્ટેશન લઈ જવાઈ રહ્યો હતો. દરમિયાન એકલા જવાનને જોઈ કુશંતએ તેનાથી પીછો છોડાવવા ફૂલ સ્પીડમાં વાહન ચલાવવાનું શરૂ કર્યું.

દરમિયાન નિઝામપુરા મેઈન રોડ પર તેણે ઘેલાણી પેટ્રોલ પંપ પાસેના સ્પીડ બ્રેકર પર પોતાનું વાહન સ્પીડમાં કુદાવ્યું જેથી પાછળ બેસેલો જવાન ફંગોળાઈને નીચે પટકાયો હતો. વાહન ચાલક તેને ત્યાં જ મરતો મુકીને ત્યાંથી ભાગી ગયો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે આ ઘટના મામલે તે શખસને પકડી પાડ્યો હતો. આજે એલઆરડી જવાન આપણી વચ્ચે નથી કારણ કે તે ઘટનામાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને સારવાર માટે તુરંત હોસ્પિટલમાં લઈ જવાયા હતા પરંતુ ગંભીર ઈજાઓને પગલે તેમનું ગત 1 તારીખે રાત્રે મોત થયું હતું. આ ઘટનાએ સમગ્ર પોલીસ બેડામાં દુઃખની લાગણી પ્રસરાવી દીધી છે. સાવ જુવાનજોધ એવા પ્રતિક સોલંકીના મોતએ પરિવારને પણ અત્યંત આઘાતમાં મુકી દીધો છે.