મેરાન્યૂઝ નેટવર્ક. વડોદરાઃ વડોદરા શહેર નજીક ભાયલીના વેપારીઓએ વ્યવસાયવેરાની નોંધણી માટે રજુ કરેલા ફોર્મમાં સહિ કરવા માટે 15 હજારની લાંચ સ્વીકારતાં વડોદરા તાલુકા પંચાયતનો ક્લાર્ક ACBના છટકામાં ઝડપાઇ ગયો હતો. ક્લાર્ક લાંચના પૈસા લઇને તાલુકા વિકાસ અધિકારી તપન ત્રિવેદીની ઓફિસમાં ગયા બાદ તપન ત્રિવેદીએ પૈસા પણ સ્વીકાર્યા હતા પણ ત્યારબાદ તેને એસીબી ટ્રેપની ગંધ આવી જતાં તપન ત્રિવેદી લાંચના પૈસા પોતાના ટેબલ નીચે જ ફેંકી દઇને કચેરીમાંથી ફરાર થઇ ગયો હતો. એસીબીએ ક્લાર્કની લાંચ લેવા બદલ ધરપકડ કરી ટીડીઓની શોધખોળ શરુ કરી હતી.

વડોદરા તાલુકા પંચાયતમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારનો ખુલાસો થયો હતો. ACB સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભાયલીના પાંચથી વધુ વેપારીઓને વ્યવસાય વેરાની નોંધ કરાવાની હોવાથી તેમના વતી એક નાગરીક તમામ ફોર્મ લઇને તાલુકા પંચાયતની ઓફિસમાં ગયો હતો, જયાં તાલુકા પંચાયત શાખાનો ક્લાર્ક રાજેશ ખોખરીયાએ તેની પાસે લાંચની માંગણી કરી હતી, જેથી તેઓ તાલુકા વિકાસ અધિકારી તપન હસમુખ ત્રિવેદી પાસે ગયા હતા પણ તપન ત્રિવેદીએ પણ લાંચની માંગણી કરી હતી. જો કે નાગરીક લાંચની રકમ આપવા માંગતો ના હોવાથી તેણે એસીબીના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી હતી.

વડોદરા ACBએ બુધવારે તાલુકા પંચાયત કચેરીમાં જ છટકું ગોઠવ્યું હતું. છટકાં મુજબ આ નાગરીક લાંચના 15 હજાર લઇને પહેલા ક્લાર્ક રાજેશને મળ્યો હતો. રાજેશે તેમની પાસેથી 15 હજાર સ્વીકાર્યા હતા અને પૈસા લઇને ટીડીઓ તપન ત્રિવેદીની ચેમ્બરમાં ગયો હતો અને તપનને લાંચના 15 હજાર આપ્યા હતા. જો કે પૈસા લીધા બાદ અચાનક તપન ત્રિવેદીને ગંધ આવી હતી કે એસીબીની ટ્રેપ છે, જેથી તેણે તુરત જ લાંચના 15 હજાર પોતાના ટેબલ નીચે નાંખી દીધા હતા અને ત્વરીત ચેમ્બરની બહાર નિકળી જઇ ફરાર થઇ ગયો હતો. જો કે એસીબીએ આ મામલે ટીડીઓ તપન ત્રિવેદી અને ક્લાર્ક રાજેશ ખોખરીયા સામે લાંચનો ગુનો નોંધી રાજેશની ધરપકડ કરી હતી, જયારે તપનની શોધખોળ શરુ કરી હતી. તાલુકા પંચાયતમાં ટીડીઓ લાંચ કેસમાં ઝડપાયા હોવાના સમાચાર પ્રસરી જતાં ઉપરના ભાગે આવેલ જિલ્લા પંચાયતમાં પણ ભારે ઉત્તેજના છવાઇ ગઇ હતી.

ACBએ  ક્લાર્ક રાજેશ ખોખરીયાના માંજલપુર સ્થિત દિવ્યલોક સોસાયટીમાં આવેલ મકાનમાં મોડી રાત્રે સર્ચ કરીને અસક્યામતોની તપાસ આદરી હતી. રાજેશ આ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. તપન ત્રિવેદીના ઘેર પણ એસીબીની ટીમ પહોંચી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.