મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ આમ તો ઘણા કલાકારો દેશના નેતાઓની મીમીક્રી કરતા હોય છે. પરંતુ રેલવેમાં રમકડા વેચી રોજી કમાનાર એક ફેરિયાને નરેન્દ્ર મોદી અને સોનીયા ગાંધી સહિતના નેતાઓને મીમીક્રી કરતો વીડિયો થોડા વખત અગાઉ વાયરલ થતાં રેલવે પોલીસ હરકતમાં આવી હતી અને તેમણે ફેરિયાને પકડી કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેને 10 દિવસની  સાદી કેદ અને 3500 રૂપિયાનો દંડ કર્યો હતો. હવે એવું કાંઈક થયું છે જેને કારણે ફેરિયાએ આપઘાત કરી લેવાની ચિમકી ઉચ્ચારી છે. તેનું એક કારણ છે જે અમે તમને અહીં જણાવીશું.

આપણે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે અનેક ફેરિયાઓને ખાવા પીવાની વસ્તુથી લઈ રમકડાં વેચતા જોયા છે, આવો એક અવધેશ દુબે નામનો ફેરીયો અમદાવાદ સુરતની ટ્રેન વચ્ચે રમકડાં વેચી રહ્યો હતો, જો કે તેની સેલ્સમેનશીપ અદ્દભૂત હતી, તે રમકડાં વેચવાની સાથે આપણા દેશના નેતાઓના નામનો ઉલ્લેખ કરી વિવિદ પ્રકારની ટીપ્પણી પણ કરતો હતો. જેના કારણે મુસાફરી હસી પડતા હતા અને તેના રમકડાં પણ વેચાઈ જતા હતા. તે નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કરી કહે છે હમે મોદી સે કોઈ બૈર નહીં, વસુંધરા તેરી ખૈર નહીં. આ પ્રકારે મુલાયમ માટે કહે છે તેઓ તકીયા જેવા છે જ્યારે સોનીયા માટે કહે છે  2024 ઈટલી નહીં ગયે તો ઈડલી બેચની પડેગી આમ તે કેજરીવાલ સહિત અનેક નેતાઓના નામનો ઉલ્લેખ કરે છે.

સાથે રમકડા ખરીદવા માગતી સ્ત્રીઓ કેવી ભાવ-તાલ કરે છે અને પુરૂષો કઈ રીતે બાળકોની લાગણી સમજે તેવું પણ તે હસતાં હસતા સમજાવે છે. કે ગ્રાહકોને કહે છે રમકડુ બગડી જાય તો મને ફોન કરજો બગડેલુ રમકડુ કયાં ફેકવુ તેની જગ્યા હું તમને કહીશ આમ અવધેશની ભાષા અને રમુજ પ્રભાવશાળી છે, પણ ટ્રેનમાં કોઈ મુસાફર દ્વારા અવધેશનો વીડિયો ઉતારવામાં આવ્યો અને તે દેશમાં ખુબ વાયરલ થયો. આમ તો દેશની ટ્રેનમાં હજારો ફેરિયા પોતાનો ધંધો કરે છે, પરંતુ રેલવેના કાયદા પ્રમાણે ફેરિયા ધંધો કરી શકતા નથી. અવધેશનો વીડિયો વાયરલ થતાં રેલવે પોલીસ હરકતમાં આવી અને તેમણે રેલવેમાં ફેરી કરવાના આરોપસર પકડી વડોદરા રેલવે કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેને દસ દિવસની સાદી કેદ અને 3500 દંડ કર્યો હતો. ખૈર અવધેશને થયેલી સજા અને દંડ જુદી વાત છે, પણ એક વ્યકિત કઈ રીતે વેપાર કરે છે તે માટે પણ આ વીડિયો જોવા જેવો છે જે વીડિયો પણ અહીં અહેવાલને અંતે દર્શાવાયો છે.

અધવેશ દુબેનું કહેવું છે કે, હવે ટ્રેનમાં રમકડાં વેચતાં વખતે પોલીસ મને હેરાન કરે છે અને તેથી તેણે આપઘાત કરી લેવાની ચીમકી ઉચ્ચારી છે. તેણે કહ્યું કે, હું ટ્રેનમાં રમકડાં વેચું છું અને મેં નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. આજે પોલીસ મને હેરાન કરે છે. આ લોકોને કારણે હું જીવ આપી દઈશ. તેમની જવાબદારી મુસાફરોની સુરક્ષા કરવાની છે પરંતુ ચોરોને પકડવાને બદલે તે ફેરી કરનારાઓને પકડે છે. દરેક ગાડીમાં મને પરેશાન કરવામાં આવી રહ્યો છે. હું સ્ટાફ સામે જ આત્મહત્યા કરી લઈશ.

તેણે એવું પણ કહ્યું છે કે, અગાઉ મારો જે વીડિયો વાયરલ થયો હતો તેમાં કોઈ નેતાની ભાવના સાથે મારો રમવાનો ઈરાદો નહોતો. એનાથી જ મારી રોજી ચાલતી હતી. લોકો મીમીક્રીને પસંદ કરતા હતા. જેને કારણે મારે જેલમાં જવું પડ્યું. મને છોડાવવા મે પીએમએ મદદ કરી હતી પણ આજે હું તકલીફમાં છું. ટ્રેનમાં પોલીસ મને મોદીને અપશબ્દો આપવાનું કહે છે. પહેલા અમે પોલીસને પૈસા આપતા તો તે ટ્રેનમાં ચઢવા દેતા હતા હવે તેની સામે હું લડાઈ લડું છું અને પૈસા નથી આપતા તો રમકડાં વેચવા દેતા નથી. મોદીજી ચા વેચતા હતા હું રમકડા વેચી ઘર ચલાવું છું.

તેણે ઉમેર્યું કે, મને જીવથી મારી નાખવાની ધમકી મળે છે, જો મને કાંઈ થશે તો જવાબદારી પોલીસની રહેશે. મેં વડાપ્રધાનને પત્ર લખ્યો છે કે ફેરિયાઓને લાયસન્સ આપવાની જરૂર હોય તો લાયસન્સ આપો. અમે રેલવેને પૈસા આપવા તૈયાર છીએ.