મેરાન્યૂઝ નેટવર્ક, વડોદરા: શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી અને સ્ટેટ લેવલ કબડ્ડી પ્લેયર યુવતીએ બુધવારે સવારે મોબાઇલમાં પિતાને સંબોધિત કરતો વીડિયો બનાવીને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. યુવતીએ મિત્રો સાથે દારુની પાર્ટી બાદ એક મિત્રએ તેની સાથે દુષ્કર્મ ગુજારતા આ પગલું ભરી લીધું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે પોલીસે બે યુવકોની ધરપકડ કરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર લગભગ છ મહિના પહેલા માતાનું અવસાન થતાં સ્ટેટ લેવલ કબડ્ડી પ્લેયર યુવતી ભાડેથી ઘર રાખીને રહેતી હતી અને ખાનગી કંપનીમાં જોબ કરતી હતી. મંગળવારે સાથી કમર્ચારી અને મિત્ર એવા 2 યુવક અને એક યુવતી સાથે તેની રૂમ પર દારૂ પાર્ટી રાખી હતી. જ્યાં તમામે દારૂનો નશો કર્યા બાદ યુવતીએ ભાન ગુમાવતાં દિશાંત કહાર નામના યુવકે ફાયદો ઉઠાવી તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું.  સવારે યુવતીને ભાન આવ્યા બાદ દુષ્કર્મ થયું હોવાની ખબર પડી હતી. યુવતીને રાત્રે શું બન્યું એની ખબર પડતાં 2 યુવકો અને યુવતી ભાગી ગયાં હતાં. આ કૃત્યથી આધાતમાં સરી પડેલી યુવતીએ તેના અન્ય મિત્રને કોલ કરી બનાવ અંગેની જાણ કરતાં મિત્રે તેને પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી હતી, પરંતુ હતાશ યુવતી ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. 

સૂત્રોના જણાવ્યા અનુસાર દુષ્કર્મનો ભોગ બન્યા બાદ આઘાતમાં સરી ગયેલી યુવતીએ મિત્રને કોલ કરી હૈયાવરાળ ઠાલવતાં જણાવ્યું હતું કે હું કયા મોઢે મારા પપ્પાને વાત કરીશ. તેણે આપઘાત પૂર્વે બનાવેલા વીડિયોમાં પિતાને સંબોધી કહ્યું હતું કે પપ્પા મને મારી ભૂલ સમજાઇ ગઇ છે, આઇ લવ યુ પપ્પા. પોલીસે આ વીડિયો કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી. લક્ષ્મીપુરા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી યુવતી સાથે પાર્ટી કરનાર 19 વર્ષિય દિશાંત દિપકભાઇ કહાર (રહે. 101, શિવમ એપાર્ટમેન્ટ, કહાર મહોલ્લો, નવાપુરા, વડોદરા) અને 20 વર્ષિય નઝીમ ઇસ્માઇલરહીમ મિરઝા (રહે. ભાડવાડા, મારવાડી મહોલ્લો, ફતેપુરા, વડોદરા) ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પાર્ટીમાં હાજર યુવતીની શોધખોળ શરૂ કરી તેનું પણ નિવેદન નોંધવાની તજવીજ હાથધરી છે. મૃતક યુવતીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આ મામલે વધુ માહિતી પ્રાપ્ત થશે.