મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરા શહેરના ગેંડા સર્કલ નજીકના સેન્ટ્રલ સ્ક્વેર મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર જ ઝૂડિયોના સ્ટોરમાં રવિવારે સાંજે અચાનક આગ લાગી ગઈ હતી. રવિવાર હોવાથી લોકોની ભીડ પણ વધુ હતી. આગ લાગતાની સાથે જ મોલમાં ખરીદી કરતાં સહુ ગભરાઈ ગયા હતા. તેઓ આગથી ભયભીત થઈ તુરંત મોલ ખાલી કરવા પડાપડી કરવા લાગ્યા હતા.

વડોદરાના ગેંડા સર્કલ પાસે આવેલા સેન્ટ્રલ સ્ક્વેર મોલમાં રવિવારે સાંજે 8 વાગ્યાના અરસામાં ઝૂડિયોના શો રૂમમાં આગ લાગી હતી. જ્યારે આગ લાગી હતી ત્ય્રારે લોકો કપડાની ખરીદીમાં વ્યસ્ત હતા. સ્ટોરમાં મુકેલી લેસીંગમાં આગ લાગી હતી. જોકે આગ કાપડમાં વધુ પ્રસરતા ભારે દોડધામ થઈ ગઈ હતી. ઘટના ઘટતાં મોલનું ફાયર સેફ્ટી સિસ્ટમ શરૂ થઈ ગયું અને કર્મચારીઓ તથા સેફ્ટી ટીમ તુરંત દોડી આવી હતી. આગને પગલે મોલમાંથી લોકોને તુરંત સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા.

મોલમાં રહેલી સેફ્ટી ટીમે ફાયર સેફ્ટીના સાધનો વડે તુરંત આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે મોલમાં લાગેલા ફાયર સ્પિંકલ સિસ્ટમમાં ધુમાડા થતાંની સાથે જ સિસ્ટમ એક્ટીવેટ થઈ જતાં પાણી ફૂવારા શરૂ થઈ ગયા અને થોડા જ સમયમાં આગ કાબુમાં આવી ગઈ હતી.